મુંબઈઃ એનએસઈના કો-લોકેશન દ્વારા બ્રોકરોને ગેરલાભ આપવાના આક્ષેપથી શરૂ થયેલી તપાસ હવે મની લૉન્ડરિંગના એન્ગલ સુધી પહોંચી ગઈ છે. સાથે જ એનએસઈની ખરડાયેલી છબિને કારણે તેનો આઇપીઓ મુશ્કેલીમાં આવી પડ્યો છે. આ સંજોગોમાં નાણાપ્રધાન નિર્મલા સીતારામને સંસ્થાઓના મહત્ત્વને ટકાવી રાખવાની વાત કરી હોવાથી આ કેસમાં દોષિત વ્યક્તિઓ પર જ તવાઈ આવશે એવું મનાવા લાગ્યું છે. દરમિયાન, સેબીનો આદેશ 11મી ફેબ્રુઆરીએ બહાર આવ્યો એની પહેલાં જ કેટલાક વિદેશી રોકાણકારોએ એક્સચેન્જમાંથી શેર વેચી દીધાનું જાણવા મળ્યું છે.
સેબીએ 11મી ફેબ્રુઆરીએ એનએસઈનાં ભૂતપૂર્વ એમડી-સીઈઓ ચિત્રા રામકૃષ્ણ તથા અન્યો વિરુદ્ધ આદેશ બહાર પાડ્યો એના થોડા દિવસ પહેલાં જ એટલે કે જાન્યુઆરીના અંતમાં એનએસઈના શેરમાં 209 વ્યવહારો થયા હતા. વિદેશી રોકાણકારોએ પ્રતિ શેર 1,650 અને 2,800ની વચ્ચેના ભાવે કુલ 11.61 લાખ શેરનું વેચાણ કર્યું હતું. મોટાભાગના સોદા 2,000ના ભાવની નીચે થયા હતા. આ સોદા એક જ રોકાણકારે કર્યા કે વધારેએ કર્યા એ હજી જાણી શકાયું નથી.
એનએસઈના કુલ શેરની દૃષ્ટિએ 11.61 લાખ શેર ફક્ત 0.2 ટકા કહેવાય, પરંતુ અહીં જણાવવું રહ્યું કે હાલ એક્સચેન્જ અનલિસ્ટેડ હોવાથી તેના શેરને ખરીદદાર મેળવવાનું સહેલું નથી.
એનએસઈની વેબસાઇટ પરથી પ્રાપ્ત આંકડાઓ અનુસાર જાન્યુઆરીમાં સૌથી ઉંચા ભાવે થયેલા વેચાણની કિંમત 3,650 રૂપિયા હતી. આમ, જાન્યુઆરીના અંતે 2,000થી ઓછા ભાવે વેચાણ થયું એ દર્શાવે છે કે રોકાણકારો બહાવરા બનીને શેર વેચી બેઠા છે. ઘણા વિદેશી રોકાણકારો અને બિનરહીશ ભારતીયોએ ડિસેમ્બરમાં પણ સારા એવા પ્રમાણમાં શેર વેચ્યા હોવાનું જાણવા મળ્યું છે.
અગાઉ, સિટિગ્રુપ, ગોલ્ડમેન સાક્સ અને નોરવેસ્ટ વેન્ચર પાર્ટનર્સ જેવા મોટા વિદેશી રોકાણકારોએ પોતાનો પૂરેપૂરો હિસ્સો વેચી દીધો છે. તેની પાછળનું મોટું કારણ એનએસઈનો આઇપીઓ આવવામાં થઈ રહેલો વિલંબ છે. જાન્યુઆરીના અંતે સેબીના આદેશની ગંધ આવી ગઈ હોવાની શક્યતા છે. આ વિષયે સેબી તપાસ કરશે કે કેમ એ સવાલ હવે ઊભો થયો છે.
એનએસઈના કો-લોકેશનના કૌભાંડ બાબતે હવે સીબીઆઇએ તપાસનાં સૂત્રો હાથમાં લીધાં છે અને આવક વેરા ખાતું પણ સક્રિય થયું છે ત્યારે એક્સચેન્જ સંબંધે વધુ ગેરરીતિઓ બહાર આવવાની શક્યતા વ્યક્ત થઈ રહી છે. એક અહેવાલમાં કહેવામાં આવ્યું છે કે સરકારી એજન્સીઓ કો-લોકેશન સિસ્ટમનો લાભ છેલ્લે કોણ લઈ ગયું એની ખાસ તપાસ કરી રહી છે. જરૂર પડ્યે વધુ એજન્સીઓને આ કામમાં સાંકળી લેવાશે. મની લૉન્ડરિંગની શક્યતાને અનુલક્ષીને એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટને તપાસનાં સૂત્રો સોંપવામાં આવી શકે છે.
ચિત્રા સાથે સંવાદ સાધનારા કથિત ‘હિમાલયવાસી’ યોગી નાણાં મંત્રાલયના અધિકારી કે અગાઉની સરકારના કોઈ પ્રધાન હોઈ શકે એ બાબતને ધ્યાનમાં રાખતાં સ્પેશિયલ ફ્રોડ ઇન્વેસ્ટિગેશન ઑફિસને પણ કામે લગાડવામાં આવી શકે છે.
દરમિયાન, સીબીઆઇએ કો-લોકેશન સંબંધે ઉંડા ઉતરીને એનએસઈઆઇટીના એક્ઝિક્યુટિવ વાઇસ ચૅરમૅન એન. મુરલીધરનની મંગળવારે મુંબઈમાં પૂછપરછ કરી હતી. એનએસઈઆઇટી એક્સચેન્જની 100 ટકા પેટા કંપની છે. મુરલીધરન અગાઉ કો-લોકેશન સુવિધાના ઇનચાર્જ હતા અને ચિત્રા રામકૃષ્ણના હાથ નીચે કામ કરતા હતા.