આનંદોઃ ચોમાસા પર દેખાશે લા-નીનોની અસર

નવી દિલ્હીઃ દેશમાં આ વર્ષે દક્ષિણ-પશ્ચિમી મોન્સુન સામાન્ય રહેશે. દેશમાં આ વર્ષે 106 ટકા વરસાદ થવાની વકી છે. આ વર્ષે મોન્સુનના પહેલા મહિને જૂનમાં આશરે 95 ટકા વરસાદ થશે, જ્યારે જુલાઈમાં 105 ટકા વરસાદ થવાની શક્યતા છે. જ્યારે ઓગસ્ટમાં 98 ટકા અને સપ્ટેમ્બરમાં 106 ટકા વરસાદ વરસવાની સંભાવના છે.

IMDએ પત્રકાર પરિષદમાં કહ્યું હતું કે આ વર્ષે જૂનથી સપ્ટેમ્બરમાં મોન્સૂન સામાન્યથી વધુ સારું રહેવાની અપેક્ષા છે. આ વર્ષે ઓડિશા, ઝારખંડ, છત્તીસગઢમાં સામાન્યથી ઓછો વરસાદ થવાની સંભાવના છે. આ સિવાય ઉત્તર-પૂર્વ રાજ્યોમાં પણ વરસાદ થવાની સંભાવના છે.હવામાન વિભાગે કહ્યું હતું કે અલ-નીનો જે ભૂમધ્ય રેખાની પાસે પ્રશાંત મહાસાગરમાં છે, જે હવે નબળું પડી રહ્યું છે. ખેડૂતો માટે સારો વરસાદ એ રાહતના સમાચાર ચછે. મોન્સુન બીજા ભાગમાં લા-નીનોની સ્થિતિ બને એવી શક્યતા છે. પાણી પર્યાપ્ત રહેવાથી જનજીવન અને અર્થતંત્ર પર પ્રોત્સાહક અસર પડશે.

સ્કાયમેટના અંદાજ અનુસાર દેશનાં 20 રાજ્યોમાં સામાન્યથી વધુ વરસાદ થશે, જ્યારે ચાર રાજ્યોમાં સામાન્ય વરસાદનું અનુમાન છે, જ્યારે છ રાજ્યોમાં સામાન્યથી ઓછો વરસાદ થવાની શક્યતા છે. ભારતીય અર્થતંત્રમાં કૃષિ ક્ષેત્રનો હિસ્સો 20 ટકા છે, જ્યારે દેશની અડધી વસતિને કૃષિ ક્ષેત્ર રોજગારી આપે છે. સારો વરસાદનો અર્થ છે કે ગ્રામીણ લોકોની આવકમાં નોંધપાત્ર વધારો થશે, જેથી તેમની ખર્ચ કરવાની ક્ષમતા વધે છે, જે અર્થતંત્રને મજબૂતી આપે છે.હવામાન વિભાગે આ વર્ષે વધુ ગરમીનું આકલન કર્યું છે. એપ્રિલથી જૂનની વચ્ચે ત્રણ મહિના તાપમાન વધુ રહેવાની સંભાવના છે, જેમાં 20 દિવસો સુધી લૂની સંભાવના છે.