નવી દિલ્હીઃ દેશમાં વર્ષ 2021માં કુલ બળાત્કાર 31,677 કેસ નોંધવામાં આવ્યા હતા, જ્યારે વર્ષ 2020માં કુલ 28,046 બળાત્કારના કેસ નોંધાયા હતા અને વર્ષ 2019માં 32,033 બળાત્કારના કેસો નોંધાયા હતા, એમ નેશનલ ક્રાઇમ રેકોર્ડ બ્યુરો (NCRB)ના ક્રાઇમ ઇન ઇન્ડિયા 2021ના અહેવાલમાં જણાવવામાં આવ્યું છે.
આ અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે વર્ષ 2021માં પ્રતિ દિન સરેરાશ 86 બળાત્કારના કેસ નોંધાયા હતા, જ્યારે પ્રતિ કલાકે આશરે 49 ગુના મહિલાઓની સામે થયા હતા. ગૃહ મંત્રાલયને આધીન કામ કરતા NCRBએ મહિલાઓની સાથે થતા બળાત્કારના રાજ્યવાર આંકડા બજાર પાડ્યા છે.
વર્ષ 2021માં સૌથી વધુ બળાત્કારના કેસો રાજસ્થાનમાં 6337 કેસો નોંધવામાં આવ્યા હતા. ત્યાર બાદ 2496 કેસો સાથે મહારાષ્ટ્ર બીજા ક્રમાંકે અને 2845 કેસો સાથે ઉત્તર પ્રદેશ ત્રીજા નંબરે હતું. દિલ્હીમાં 1250 મહિલાઓની સાથે બળાત્કારના કેસ નોંધવામાં આવ્યા હતા.
ક્રાઇમ ઇન ઇન્ડિયા 2021ના અહેવાલમાં જણાવવામાં આવ્યું હતું કે વર્ષ 2021માં દેશભરમાં મહિલાઓની સામે અપરાધના કુલ 4,28,278 કેસો નોંધાયા છે. આ ગુનાનો દર (પ્રતિ એક લાખની વસતિએ) 64.5 હતો. સત્તાવાર આંકડાથી માલૂમ પડે છે કે આવા ગુનાઓમાં પોલીસ દ્વારા રજૂ કરવામાં આવેલી ચાર્જશીટનો દર 77.1 હતો.
આ અહેવાલમાં મહિલાઓની સામે બળાત્કાર, હત્યાની સાથે બળાત્કાર, દહેજ, એસિડ હુમલા, આત્મહત્યા માટે ઉશ્કેરણી, અપહરણ, જબરદસ્તી લગ્ન, માનવ તસ્કરી વગેરે ગુનાઓ સામેલ હતા. વર્ષ 2021માં દેશભરમાં મહિલાઓની સામે ગુનાના કેસોમાં 1,36,234 કેસો એવા હતા, જેમાં પતિઓ અથવા સગાંસબંધીઓ દ્વારા મહિલાઓ પર ક્રૂરતા આચરવામાં આવી હોય. 2021માં મહિલાઓની સામે ગુનામાં 2020ની તુલનાએ 15 ટકાનો વધારો થયો હતો.