પરીક્ષામાં ફેલ થવા બદલ વિદ્યાર્થીઓએ શિક્ષકોને ફટકાર્યા, વિડિયો વાઇરલ

રાંચીઃ  સામાન્ય રીતે પરીક્ષામાં પાસ થવું કે નાપાસ થવું એ તો વિદ્યાર્થીના હાથમાં હોય છે, કેમ કે શિક્ષક જ્યારે ક્લાસમાં વિદ્યાર્થીઓને ભણાવતા હોય ત્યારે વિદ્યાર્થીએ એકચિત્તે ભણવા પર ધ્યાન આપવું જોઈએ, પણ એ ધ્યાન ના આપે તો એનો વાંક હોય, પણ ઝારખંડના વિદ્યાર્થીઓ એક અલગ કાંડ કર્યો છે. તેમણે પરીક્ષામાં ફેલ થવા માટે શિક્ષકોને જવાબદાર ગણાવ્યા છે. આ વિદ્યાર્થીઓએ ફેલ થવા માટે શિક્ષકોની મારપીટ કરી અને તેમને થાંભલા સાથે બાંધી દીધા છે. સોશિયલ મિડિયા પર આ ઘટનાનો વિડિયો ઝડપથી વાઇરલ થઈ રહ્યો છે.

પ્રાપ્ર માહિતી અનુસાર આ મામલો ઝારખંડના દુમકા જિલ્લાનો છે. સ્કૂલના નવમાં ધોરણની પ્રેક્ટિકલ પરીક્ષામાં કુલ 36 વિદ્યાર્થીઓ બેઠા હતા, તેમાંથી 11 વિદ્યાર્થીઓ ફેલ થઈ ગયા હતા. જેથી ફેલ વિદ્યાર્થીઓએ ગણિતના શિક્ષક અને સ્કૂલના બે કર્મચારીને પકડીને એક ઝાડ સાથે બાંધી દીધા હતા. ત્યાર બાદ આ વિદ્યાર્થીઓએ તેમની પીટાઈ કરી હતી. શિક્ષક કુમાર સુમનને ઇજા થઈ હતી. તેમને પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં સારવાર કરવામાં આવી હતી.

આ સમાચાર સોશિયલ મિડિયા પર અનેક લોકોએ પોતાની પ્રતિક્રિયાઓ આપી હતી. એક યુઝરે કોમેન્ટ કરતાં લખ્યું હતું કે આવું નહીં થવું જોઈએ. શિક્ષકોની મારપીટ કરીને વિદ્યાર્થીઓએ ખોટું કર્યું છે. એક અન્ય યુઝરે કોમેન્ટ કરી હતી કે દેશમાં આ શું થઈ રહ્યું છે? હવે કોઈ પણ શિક્ષક ડરશે.