“બમ બમ ભોલે”ના નાથ સાથે અમરનાથ યાત્રાનો થયો પ્રારંભ..

દેશમાં ખૂબ ચર્ચીત અમરનાથની યાત્રાનો આજથી પ્રારંભ થયો છે. યાત્રાના પ્રથમ દિવસે ભક્તોનું ઘોડા પુર ઉમટ્યું હતું. યાત્રાના પ્રારંભે આજે બાલતાલથી ભક્તોએ અમરનાથની ગુફાએ પહોંચી બાબા બર્ફાનીનાં દર્શન કરી ધન્યતાનો અનુભવ કર્યો હતો. અમરનાથ ગુફા તરફ જવાનો સમગ્ર માર્ગ ‘બમ બમ ભોલે’ના નાદથી ગુંજી ઊઠ્યો હતો.

અમરનાથ યાત્રા માટે શુક્રવારે લગભગ 4600થી વધુ શ્રદ્ધાળુઓ બાલતાલ અને પહેલગામ બેઝ કેમ્પ પર પહોંચી ગયા હતા. ઉલ્લેખનીય છેકે આ બંને કેમ્પ પરથી શ્રદ્ધાળુઓએ થ્રી લેયર સુરક્ષા સાથે આગળ વધ્યા હતા. આજ થી શરૂ થનારી અમરનાથની યાત્રાનો રૂટ બાબા બરફીનાથની જય અને બમ બમ ભોલેના નાદ થી ગુજી ઉઠ્યો હતો. બાલતાલથી નીકળેલા શ્રદ્ધાળુઓ સૌ પ્રથમ બાબા બર્ફાનીના દર્શન કરવા પહોંચ્યા હતા. દેશભરમાંથી આવેલા શ્રદ્ધાલુઓની સાથે મોટી સંખ્યામાં ગુજરાતથી પહોંચેલા શ્રદ્ધાળુઓએ બાબા બર્ફાનીના દર્શન કરી ધન્યતા અનુભવી હતી.
બાબા બર્ફીનાથના દર્શને આવેલા શ્રદ્ધાળુઓની સુરક્ષા માટે સઘન પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. પોલીસ સહિત CRPF, BSF, ITBP તેમજ આર્મીના જવાનો સમગ્ર યાત્રાના રૂટ પર ખડેપગે જોવા મળ્યા હતા. અમરનાથ યાત્રાએ દેશભરમાંથી આવતા લાખો શ્રદ્ધાળુઓને કોઈ તકલીફ ન પડે તે માટે તંત્ર દ્વારા બાલતાલથી આગળ ગુફા તરફ જતા રૂટ પર દર 2 કિમીએ મેડીકલ કેમ્પનું આયોજન કર્યું છે. જ્યારે દર 3 કિલોમીટરે ભંડારા કાર્યરત કરવામાં આવ્યા છે. અનંતનાગમાં પરંપરાગત નુનવાન-પહેલગામ રૂટ અને ગાંદરબલમાં બાલતાલ રૂટ દ્વારા 29 જૂને શરૂ થયેલી અમરનાથ યાત્રા 52 દિવસ સુધી ચાલશે. જે 19 ઓગસ્ટના રોજ સમાપ્ત થશે. આ વર્ષે અમરનાથ આ યાત્રા માટે 3.50 લાખથી વધુ લોકોએ રજીસ્ટ્રેશન કરાવ્યું છે. યાત્રાના પ્રારંભે આજે પ્રથમ દિવસે 4600 જેટલા શ્રદ્ધાળુઓ બાબા બર્ફાનીના દર્શન કરશે.