નવી દિલ્હીઃ સંસદના શિયાળુ સત્ર દરમ્યાન જારી અવરોધ વચ્ચે હવે બધી પાર્ટીઓ આગામી સપ્તાહથી બંધારણ પર ચર્ચા કરવા માટે તૈયાર છે. લોકસભા અધ્યક્ષ ઓમ બિરલાની સાથે સર્વપક્ષી બેઠકમાં તમામ સાંસદોએ સંસદની કાર્યવાહી સારી રીતે ચાલવા દેવા માટે સહમતી વ્યક્ત કરી હતી.
લોકસભામાં ચાલી રહેલી મડાગાંઠને સમાપ્ત કરવા માટે લોકસભા અધ્યક્ષ ઓમ બિરલાએ વિવિધ રાજકીય પક્ષોના નેતાઓ સાથે સર્વપક્ષી બેઠક યોજી હતી. આ બેઠકમાં સંસદની સુચારુ કામગીરી પર સર્વસંમતિ સધાઈ હતી, જેના કારણે આવતી કાલથી સંસદનું કામકાજ સામાન્ય થવાની ધારણા છે. આ બેઠકમાં લોકસભા અધ્યક્ષે તમામ સભ્યોને અપીલ કરી કે તેઓ ગૃહને સુચારુ રીતે ચાલવા દે અને જનતાને લગતા મુદ્દાઓ પર ચર્ચાને પ્રાથમિકતા આપે. તમામ પક્ષોના પ્રતિનિધિઓએ સ્પીકરની આ અપીલ સાથે સંમત થયા અને ગૃહમાં મડાગાંઠનો અંત લાવવાની ખાતરી આપી હતી. સંસદીય બાબતોના પ્રધાન કિરણ રિજિજુએ વિશ્વાસ વ્યક્ત કર્યો કે મંગળવારથી લોકસભા અને રાજ્યસભાની કાર્યવાહી સુચારુ રીતે ચાલશે. લોકસભા સ્પીકર ઓમ બિરલાએ વિવિધ પક્ષોના ફ્લોર લીડર્સ સાથે બેઠક યોજી હતી, જેમાં આ સર્વસંમતિ સધાઈ હતી. લોકસભામાં 13-14 અને રાજ્યસભામાં 16 અને 17 ડિસેમ્બરે બંધારણ પર ચર્ચા કરવા તમામ સાંસદો તૈયાર થયાં છે.
કેન્દ્રીય પ્રધાન કિરણ રિજિજુએ સંસદની બહાર પત્રકારોને જણાવ્યું હતું કે લોકસભામાં 13 અને 14 ડિસેમ્બરે અને રાજ્યસભામાં 16 અને 17 ડિસેમ્બરે બંધારણ પર ચર્ચા થશે. તેમણે કહ્યું કે સંસદની કાર્યવાહીમાં વિક્ષેપ પાડવો એ સારું નથી. અમે તમામ વિપક્ષી નેતાઓને અપીલ કરીએ છીએ કે તે સમજૂતી પર સારી રીતે કામ કરે કે આપણે બધા આવતી કાલથી સંસદનું કામકાજ સુનિશ્ચિત કરીશું.
