નવી દિલ્હીઃ કર્મચારીઓની બાબતોને લગતા કેન્દ્રીય મંત્રાલયે બહાર પાડેલા એક આદેશ અનુસાર, તમામ કેન્દ્ર સરકારી કર્મચારીઓને જણાવી દેવામાં આવ્યું છે કે એમણે કામકાજના દિવસોએ ઓફિસમાં હાજર થઈ જવું. દેશભરમાં કોરોના વાઈરસના સક્રિય કેસોની સંખ્યામાં નોંધપાત્ર ઘટાડો થયો છે તેથી સરકારે આ નિર્ણય લીધો છે. તે છતાં, કન્ટેનમેન્ટ ઝોનમાં રહેતા તમામ અધિકારીઓ અને કર્મચારીઓને ઓફિસમાં આવવામાંથી બાકાત રાખવામાં આવ્યા છે. જ્યાં સુધી એમના કન્ટેનમેન્ટ ઝોનને ડી-નોટિફાઈ ન કરાય ત્યાં સુધી એમને આ ઓર્ડર લાગુ નહીં થાય.
કોરોના મહાબીમારી ફેલાતા ગયા વર્ષના માર્ચ મહિનામાં કર્મચારીઓને ઓફિસમાં હાજર ન થવાનું જણાવાયું હતું. અત્યાર સુધી માત્ર નાયબ સચિવ તથા એમની ઉપરના પદના અધિકારીઓને જ ઓફિસમાં હાજર થવાનું જણાવાયું હતું. ત્યારબાદ ગયા મે મહિનાથી 50 ટકા કર્મચારીઓને ઓફિસમાં હાજર થવાનું જણાવાયું હતું અને ઓફિસોમાં કામકાજ માટે જુદા જુદા ટાઈમ સ્લોટ નક્કી કરાયા હતા. હવે કેન્દ્ર સરકારના તમામ વિભાગોના તમામ સ્તરના કર્મચારીઓને કામકાજના તમામ દિવસોએ ઓફિસોમાં હાજર થવાનું જણાવવામાં આવ્યું છે.