એર ઈન્ડિયા લેટેસ્ટ ટેક્નોલોજીની મદદથી ગ્રાહક-સેવા સુધારશે

મુંબઈઃ ટાટા ગ્રુપની માલિકીની એર ઈન્ડિયાએ કહ્યું છે કે ગ્રાહક સેવામાં સુધારો લાવવા માટે એણે સેલ્સફોર્સ કંપની સાથે સહયોગ કર્યો છે. એક નિવેદનમાં એરલાઈને કહ્યું છે કે સેલ્સફોર્સ સાથે મળીને કામ કરનાર એર ઈન્ડિયાના કસ્ટમર કેર સ્ટાફનાં સભ્યોને એર ઈન્ડિયાના ગ્રાહકો માટેનો એક યૂનિફાઈડ ડેટા પ્લેટફોર્મ અને આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI) ટેક્નોલોજીની સહાયતાવાળા સાધનો વડે સજ્જ કરવામાં આવશે જેથી તેઓ ઓનલાઈન, ગ્રાઉન્ડ સ્તરે તેમજ વિમાનપ્રવાસ દરમિયાન, એમ તમામ સ્તરે પ્રત્યેક ગ્રાહક સાથે સંપર્ક-સંવાદમાં ઉત્કૃષ્ટતા હાંસલ કરી શકે.

સેલ્સફોર્સ કંપની પાસેથી પ્રાપ્ત થયેલી ટેક્નોલોજીને લીધે એર ઈન્ડિયાને તેના કોન્ટેક્ટ સેન્ટર, મોબાઈલ, વેબ, ચેટબોટ, ઈમેલ, સોશિયલ મિડિયા – એમ સંવાદોના તમામ સ્તરે ગ્રાહકોને ટ્રેક કરવામાં સહાયતા મળશે. સેલ્સફોર્સ અમેરિકાની ક્લાઉડ-બેઝ્ડ સોફ્ટવેર કંપની છે. જે કસ્ટમર રિલેશનશિપ મેનેજમેન્ટ સોફ્ટવેર અને એપ્લિકેશન્સ પૂરાં પાડે છે.