પાકિસ્તાનમાં ભારે ધાંધલઃ ઈમરાન ખાનના સમર્થકો, પોલીસો વચ્ચે મારામારી, તોફાની પથ્થરમારો થયો

ઈસ્લામાબાદઃ એક મહિલા ન્યાયાધીશ અને એક પોલીસ અધિકારી સાથે કથિતપણે ગેરવર્તન કર્યાના આરોપસર પાકિસ્તાનના ભૂતપૂર્વ વડા પ્રધાન ઈમરાન ખાન સામે બિન-જામીનપાત્ર વોરંટ ઈશ્યૂ કરવામાં આવ્યું છે. ગઈકાલે ઈમરાન ખાનની ધરપકડ કરવા માટે ગયેલા પોલીસો અને ખાનના સમર્થકો વચ્ચે ખૂબ મારામારી થઈ હતી. મોટા પાયે પથ્થરમારો થયો હતો જેમાં ઈસ્લામાબાદના પોલીસ વડા સહિત અનેક પોલીસજવાન અને સામાન્ય નાગરિકો ઘાયલ થયા છે. બેકાબૂ બનેલા ટોળાને વિખેરવા માટે પોલીસે અશ્રુવાયુ છોડ્યો હતો અને લાઠીમાર પણ કર્યો હતો.

ઈમરાન ખાને એક વિડિયો સંબોધનમાં કહ્યું છે કે પોતે આવતા શનિવારે ઈસ્લામાબાદની ટ્રાયલ કોર્ટમાં હાજર થશે. ઉલ્લેખનીય છે કે અનેક વાર સમન્સ મોકલવામાં આવ્યું હોવા છતાં ઈમરાન કોર્ટમાં હાજર થયા નથી. તેમની પર આરોપ છે કે તેઓ 2018થી 2022 સુધી જ્યારે વડા પ્રધાન પદે હતા ત્યારે સરકારી માલિકીની અનેક ગિફ્ટ્સને ગેરકાયદેસર રીતે વેચી દીધી હતી.