ન્યૂઝીલેન્ડમાં 7.1નો ભૂકંપ આવ્યો; સુનામીની ચેતવણી અપાઈ

વેલિંગ્ટનઃ ન્યૂઝીલેન્ડના કર્માડેક ટાપુઓ પર આજે સવારે શક્તિશાળી ભૂકંપ આવ્યો હતો. રિક્ટર સ્કેલ પર એની તીવ્રતા 7.1ની નોંધાઈ હતી. એને કારણે વહીવટીતંત્રને સમુદ્રમાં સુનામી મોજાં ઉછળવાની ચેતવણી ઈસ્યૂ કરવાની ફરજ પડી હતી. નોર્થ આઈલેન્ડમાં આવેલા ઓકલેન્ડ શહેરના ઈશાન ખૂણે કર્માડેક ટાપુઓ આવેલા છે. કર્માડેક ત્રણ નાના ટાપુઓનો સમૂહ છે.

યૂએસ જિયોલોજિકલ સર્વેના જણાવ્યા મુજબ, ભૂકંપ ધરતીથી લગભગ 10 કિ.મી. (6.21 માઈલ) ઊંડે આવ્યો હોવાનો અંદાજ છે. કર્માડેક પ્રાંતમાં બચાવ કામગીરી શરૂ કરવામાં આવી છે. જાનહાનિ કે મિલકતને નુકસાન થયાનો હજી સુધી કોઈ અહેવાલ મળ્યો નથી. કર્માડેક ટાપુ ન્યૂઝીલેન્ડમાં ઉત્તર-પૂર્વમાં આવેલો છે. એ નિર્જન ટાપુ છે અને ન્યૂઝીલેન્ડ પ્રશાસનના તાબામાં છે. ન્યૂઝીલેન્ડમાં દર વર્ષે દરિયાઈ ભૂકંપના નાના-મોટાં સેંકડો આંચકા આવતા હોય છે.