બજેટ સત્રથી પહેલાં PM મોદીએ વિપક્ષને આપ્યો કડક સંદેશ

નવી દિલ્હીઃ આજથી 18મી લોકસભાના પહેલા બજેટ સત્રનો પ્રારંભ થયો છે. એ પહેલાં વડા પ્રધાન મોદીએ મિડિયાથી વાતચીત કરતાં વિકસિત ભારત યાત્રાના નવા લક્ષ્ય પર ચર્ચા કરી હતી. તેમણે કહ્યું હતું કે હવે સમય આવી ગયો છે ગેરન્ટીઓને જમીન પર ઉતારવાનો.

વડા પ્રધાનને વિપક્ષ પર નકારાત્મક રાજકારણ રમવાનો આરોપ લગાવ્યો હતો. કેટલાક પક્ષો લાભ માટે સંસદનો દુરુપયોગ કરી રહ્યા છે. PMનો અવાજ દબાવવાના પ્રયાસ કરવામાં આવ્યા છે, એમ તેમણે કહ્યું હતું.

PM મોદીએ કહ્યું હતું કે હું દેશના બધા સાસંદોને આગ્રહ કરું છું કે જાન્યુઆરીથી માંડીને અત્યાર સુધી આપણે જેટલો સંઘર્ષ કરવાનો હતો, એ કર્યો, પરંતુ હવે એ દોર ખતમ થયો છે. જનતાએ નિર્ણય આપી દીધો છે. બધી પાર્ટીઓને કહેવા ઇચ્છીશ કે તેઓ પાર્ટી લાઇનથી ઉપર ઊઠીને ખુદને દેશના પ્રતિ સમર્પિત કરે અને આગામી 4-5 વર્ષ સુધી સંસદના એ ગરિમામય મંચનો ઉપયોગ કરે. જાન્યુઆરી, 2029ના ચૂંટણી વર્ષમાં તમે કોઈ પણ ખેલ ખેલી શકો છો, પરંતુ ત્યાં સુધી આપણે ખેડૂતો યુવાઓ અને દેશના સશક્તીકરણમાં ભાગ લઈએ.

સંસદના પહેલા સત્રમાં જે સરકારને દેશની 140 કરોડ જનતાએ બહુમતથી ચૂંટી કાઢી છે, એના અવાજને દબાવવાના પ્રયાસ થયા છે. દેશની જનતાએ આપણને પાર્ટી માટે નહીં દેશ માટે મોકલ્યા છે, એમ તેમણે કહ્યું હતું.

સોમવારથી શરૂ રહેલું સંસદનું ચોમાસુ સત્ર 12 ઓગસ્ટ સુધી ચાલશે. આમાં કુલ 19 બેઠકો યોજાવાની છે. આ સમયગાળામાં સરકાર છ બિલ પણ રજૂ કરે તેવી અપેક્ષા છે. આમાં 90 વર્ષ જૂના એરક્રાફ્ટ એક્ટમાં ફેરફાર કરવા માટેનું બિલ તેમ જ જમ્મુ-કાશ્મીરના બજેટ માટે સંસદની મંજૂરીનો પણ સમાવેશ થાય છે. આ દરમિયાન વિપક્ષ તરફથી હંગામો જોવા મળી શકે છે. મંગળવારે રજૂ થનારા બજેટ પહેલાં નાણામંત્રી સીતારામન સોમવારે સંસદમાં આર્થિક સર્વે પણ રજૂ કરશે.