અમદાવાદઃ અદાણી ગ્રુપ તરફથી સ્પષ્ટતા કરવામાં આવી છે કે દેશમાં તેની માલિકીના ટર્મિનલો ખાતે 15 નવેમ્બરથી એવા કન્ટેનર ધરાવતા કાર્ગોનું સંચાલન કરવામાં આવશે નહીં. ઉલ્લેખનીય છે કે, અદાણી ગ્રુપ દ્વારા સંચાલિત મુંદ્રા બંદર ખાતે ડાયરેક્ટોરેટ ઓફ રેવેન્યૂ ઈન્ટેલિજન્સે ગયા મહિને બે કન્ટેનરમાંથી રૂ. 15,000 કરોડની કિંમતનું 2,988 કિલોગ્રામ હેરોઈન કબજે કર્યું હતું.
અદાણી ગ્રુપે એક નિવેદનમાં જણાવ્યું છે કે આવતી 15 નવેમ્બરથી અદાણી પોર્ટ્સ SEZ (APSEZ) ઈરાન, પાકિસ્તાન અને અફઘાનિસ્તાનમાંથી રવાના થનાર કન્ટેનરાઈઝ્ડ કાર્ગોનું સંચાલન નહીં કરે. આ સૂચના નવી નોટિસ ન મળે ત્યાં સુધી APSEZ દ્વારા સંચાલિત તમામ ટર્મિનલ તેમજ કોઈ પણ APSEZ બંદર ખાતે થર્ડ પાર્ટી ટર્મિનલને લાગુ પડશે.
