કોલકાતાઃ જાણીતા ઉદ્યોગપતિ અદાણીના નેતૃત્વવાળું અદાણી ગ્રુપ બંગાળમાં વધુ રસ દાખવી રહ્યું છે. ગ્રુપ અહીં પોર્ટ અને રસ્તા સહિતના માળખાથી માંડીને એથેનોલ સુધી રસ લઈ રહ્યું છે. અદાણીના પુત્ર કરણ અદાણીએ પશ્ચિમ બંગાળનાં મુખ્ય પ્રધાન મમતા બેનરજી સાથે મુલાકાત કરી હતી. બંને વચ્ચે મૂડીરોકાણ બાબતે વિચારવિમર્શ થયો હતો. આ મુલાકાત પછી CMએ કહ્યું હતું કે અંબાણી-અદાણી પણ જોઈએ અને કૃષિ પણ જોઈએ.
કરણ અદાણી 10મી ફેબ્રુઆરીએ પશ્ચિમ બંગાળના સચિવાલયમાં મળ્યા હતા. આ મિટિંગ વિશે રાજ્ય સરકારના એક ટોચના અધિકારીએ માહિતી આપી હતી. બંગાળ સરકારના વૈશ્વિક વેપાર શિખર સંમેલનથી આશરે બે મહિના પહેલાં આ મુલાકાતમાં તાજપુરમાં પ્રસ્તાવિત સમુદ્ર બંદરના નિર્માણ માટે ચર્ચા કરવામાં આવી હતી. આ સાથે દેઉચા-પંચમી કોલસા ખનન પ્રોજેક્ટમાં પણ સંભવિત મૂડીરોકાણ પર ચર્ચા થઈ હતી. આ મિટિંગમાં મુખ્ય સચિવ એચ. કે. દ્વિવેદી અને બાકીના સિનિયર અધિકારી પણ હાજર હતા.
કરણ અદાણી અદાણી પોર્ટ્સ એન્ડ SEZ લિ.ના CEO છે. અદાણી ગ્રુપના જણાવ્યાનુસાર તેઓ ગ્રાહકો માટે એક ઇન્ટિગ્રેટેડ લોજિસ્ટિક કંપની બનાવવા માટે APSEZનું નેતૃત્વ પણ કરી રહ્યા છે. તેમણે અમેરિકામાં પર્ડ્યુ યુનિવર્સિટીમાં અર્થશાસ્ત્રીમાં ડિગ્રી હાંસલ કરી છે. તેઓ વૈશ્વિક દ્રષ્ટિકોણની સાથે ટેક સેવી પણ છે. તેમણે APSEZના વિકાસની વ્યૂહરચનાને આગળ વધારી છે. જેથી બે પોર્ટોથી 10 પોર્ટો અને ટર્મિનલોની એક સ્ટ્રિંગમાં ઝડપથી વિકાસ થયો છે.
ફોર્બ્સ ઇન્ડિયાના મેગેઝિને 2008માં તેમનો ટાયકૂન્સ ઓફ ટુમોરોની યાદીમાં સમાવેશ કર્યો છે.