UPની ચૂંટણીઃ SPના ઉમેદવારે રૂ. 500-500 મતદાતાઓને વહેંચ્યા

પ્રયાગરાજઃ ઉત્તર પ્રદેશ વિધાનસભાની ચૂંટણી 2022ના પહેલા તબક્કામાં મતદાન પૂરું થઈ ચૂક્યું છે.  બીજા તબક્કાનું મતદાન 14 ફેબ્રુઆરીએ થવાનું છે. આવામાં ચૂંટણીજંગમાં ઉમેદવાર મતદાતાઓને આકર્ષવાના દરેક પ્રયાસ કરી રહ્યા છે. પ્રયાગરાજની હંડિયા વિધાનસભાની બેઠકના એક ઉમેદવારનો વિડિયો સોશિયલ મિડિયા પર વાઇરલ થઈ રહ્યો છે. આ ઉમેદવાર મતદાતાઓને પૈસા વહેંચી રહ્યા છે.

સમાજવાદી પાર્ટીના ઉમેદવાર અને વિધાનસભ્ય હાકિમ લાલ બિંદ તેમના ચૂંટણી કાર્યલયમાં લોકોને પૈસા વહેંચતા કેમેરામાં કેદ થયા છે. તેમનો પૈસા વહેંચતો વિડિયો વાઇરલ થયો છે. આ વિડિયોમાં સ્પષ્ટપણે દેખાય છે કે એક સીડી મારફતે ઊતરી રહેલા લોકોને રૂ. 500-500ની નોટ વહેંચી રહ્યા છે. વળી, તેઓ જ્યાં પૈસા વહેંચી રહ્યા છે, ત્યાં મોટી સંખ્યામાં લોકો એકઠા થયા છે. આ વિડિયો વાઇરલ થવાથી સપાની સાથે પાર્ટીના નેતા અને કાર્યકર્તાઓ પણ ખચકાટ અનુભવી રહ્યા છે.

આ વિડિયો વાઇરલ થયા પછી ભૂતપૂર્વ વિધાનસભ્ય અને નિષાદ પાર્ટીના ઉમેદવાર પ્રશાંત સિંહે એની ફરિયાદ કરી હતી. આ ફરિયાદ મળ્યા પછી આચાર સંહિતાના ઉલ્લંઘનનો કેસ નોંધવામાં આવ્યો છે. અભિમન્યુ યાદવ, ભવન યાદવ, રમાકાંતની સાથે કેટલાક અજાણ્યા લોકોની સામે કેસ નોંધવામાં આવ્યો છે. પૈસા વહેંચવાને લઈને હંડિયા પોલીસ સ્ટેશનમાં કેસ નોંધવામાં આવ્યો છે. આ કેસ નોંધાયા પછી સમાજવાદી પાર્ટીના ઉમેદવાર અને વિધાનસભ્ય હાકિમ લાલ બિંદની મુશ્કેલીઓમાં વધારો થવાની શક્યતા છે.