નવી દિલ્હીઃ દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલે કુખ્યાત ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈ ગેંગના સાત શૂટરોની ધરપકડ કરી છે. આ તમામ શૂટરોની પંજાબ અને આસપાસનાં રાજ્યોમાંથી ધરપકડ કરવામાં આવી છે. તેમની પાસેથી હથિયારો પણ જપ્ત કરવામાં આવ્યાં છે. સ્પેશિયલ સેલ બાબા સિદ્દીકી કેસમાં ધરપકડ કરાયેલા શૂટરોની પણ પૂછપરછ કરી રહી છે, એમ સૂત્રોએ કહ્યું હતું.
પ્રાપ્ત માહિતી મુજબ દિલ્હી પોલીસની સ્પેશિયલ સેલ સમગ્ર દેશમાં લોરેન્સ બિશ્નોઈ ગેંગ સાથે સંકળાયેલા સાગરીતોનાં સ્થાનો પર દરોડા પાડી રહી છે. પોલીસના આ દરોડા પછી સાત શૂટરોની ધરપકડ કરવામાં આવી હતી. હાલ પોલીસ બદમાશોની પૂછપરછ કરી રહી છે.
નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સી (NIA)એ ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈની ગેંગ પર પકડ વધુ મજબૂત કરી છે. NIAએ લોરેન્સનો ભાઈ અનમોલ બિશ્નોઈ પર 10 લાખ રૂપિયાનું ઇનામ જાહેર કર્યું છે. અનમોલ ઉર્ફે ભાનુ પર સિદ્ધુ મુસેવાલાની હત્યાનો પણ આરોપી છે. વર્ષ 2023માં તપાસ એજન્સીએ તેની સામે ચાર્જશીટ દાખલ કરી હતી. અહેવાલો અનુસાર તે નકલી પાસપોર્ટ પર ભારતથી ભાગી ગયો હતો.
અનમોલ બિશ્નોઈ સ્થળ બદલતો રહે છે અને તે વર્ષ 2023માં કેન્યા અને આ વર્ષે કેનેડામાં જોવા મળ્યો હતો. અનમોલ બિશ્નોઈ સામે 18 ક્રિમિનલ કેસ નોંધાયેલા છે. તેણે જોધપુર જેલમાં સજા કાપી ચૂક્યો છે. અનમોલને સાતમી ઓક્ટોબર 2021માં જામીન પર મુક્ત કરવામાં આવ્યો હતો.
14મી એપ્રિલ 2024ના રોજ સુપરસ્ટાર સલમાન ખાનના ઘર ગેલેક્સી એપાર્ટમેન્ટની બહાર ફાયરિંગ કરવામાં આવ્યું હતું. આ કેસની તપાસ કરી રહેલી મુંબઈ ક્રાઈમ બ્રાન્ચે ફાયરિંગ કેસમાં કથિત સંડોવણી બદલ વોન્ટેડ આરોપી અનમોલ બિશ્નોઈ સામે લુકઆઉટ સર્ક્યુલર (LOC) નોટિસ પણ જાહેર કરી હતી.