મોદી સરકારને UCC લાગુ કરવા મુદ્દે ‘આપ’નું સમર્થન

નવી દિલ્હીઃ યુનિફોર્મ સિવિલ કોડ (UCC)ને લઈને ચાલી રહેલા વાદવિવાદની વચ્ચે મોદી સરકારને ‘આપ’ પાર્ટીનો ટેકો મળ્યો છે. આપના સંગઠન મહાસચિવ સંદીપ પાઠકે કહ્યું હતું કે આપ UCCને સૈદ્ધાંતિક ટેકો આપે છે. તેમણે કહ્યું હતું કે આર્ટિકલ 44 પણ એ કહે ઠે કે UCC હોવો જોઈએ, પણ પાર્ટીનું માનવું છે કે આ મુદ્દે બધા ધર્મ અને રાજકીય પક્ષોથી વાતચીત થવી જોઈએ. બધાની સહમતી પછી એને લાગુ કરવામાં આવવો જોઈએ.

જોકે તેમણે આ મુદ્દે ભાજપ સરકાર અને વડા પ્રધાન મોદી પર નિશાન સાધ્યું છે. તેમણે કહ્યું હતું કે ભાજપને UCCના અમલીકરણ અને ઉકેલ માટે કોઈ લેવાદેવા નથી. ભાજપ માત્ર અસમંજસતા પેદા કરે છે, જેથી દેશમાં મતોનું વિભાજન થઈ શકે અને પછી ચૂંટણી લડી શકે. વડા પ્રધાન મોદીએ નવ વર્ષમાં કામ કર્યું નથી, એટલે તેઓ UCCનો સહારો લઈ રહ્યા છે, એમ તેમણે કહ્યું હતું.

વડા પ્રધાન મોદીએ ભોપાલમાં કરેલા સંબોધનમાં UCC મુદ્દે કહ્યું હતું કે દેશના મુસલમાનોએ એ સમજવું પડશે કે કયા રાજકીય પક્ષ એવું કરી રહ્યા છે. એક ઘરમાં એક સભ્ય માટે એક કાયદો હોય અને અન્ય બીજા માટે બીજો તો ઘર કેવી રીતે ચાલી શકે. સુપ્રીમ કોર્ટ પણ વારંવાર એવું કહી રહી છે કે UCC લાવો, પરંતુ એ મત બેન્કના ભૂખ્યા લોકો આવું કરવા નથી ઇચ્છતા.

સાઉદી આરબ, તુર્કી, પાકિસ્તાન, મિસ્ર, મલેશિયા, નાઇજિરિયામાં બધા ધર્મો માટે સમાન કાયદા છે, કોઈ વિશેષ ધર્મ અથવા સમુદાય માટે અલગ-અલગ કાયદો નથી.