અયોધ્યાઃ ભગવાન શ્રીરામના જન્મસ્થળ અયોધ્યામાં બની રહેલા ભવ્ય રામ મંદિરમાં આગામી વર્ષની 22 જાન્યુઆરીએ પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમમાં મોટી સંખ્યામાં પહોંચનારા શ્રદ્ધાળુ માટે ટેન્ટ સિટી બાંધવામાં આવી રહી છે. એમાં 80,000 શ્રદ્ધાળુઓના રોકાવાની વ્યવસ્થા થશે. ભગવાન શ્રીરામના પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમમાં દેશ-વિદેશથી લાખ્ખો શ્રદ્ધાળુઓ અયોધ્યા પહોંચવાની સંભાવનાને જોતા શ્રીરામ મંદિર તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટ અને અયોધ્યા ડેવલપમેન્ટ ઓથોરિટી (ADA) તરફથી વિવિધ સ્થાનો પર ટેન્ટ સિટીનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે, એમ લખનઉમાં જારી એક સત્તાવાર નિવેદનમાં જણાવવામાં આવ્યું છે.
ADAના સચિવ સત્યેન્દ્ર સિંહે જણાવ્યું હતું કે 22 જાન્યુઆરીએ પ્રાણ પ્રતિષ્ઠાના સમયે જોરદાર ઠંડી રહેશે. એને જોતાં ટેન્ટ સિટીનું નિર્માણ એ પ્રકારે કરવામાં આવશે કે શ્રદ્ધાળુઓને રાહત મળી શકે. અહીં રાત્રિરોકાણ કરનારા શ્રદ્ધાળુઓ માટે શૌચાલય અને સ્નાનાગૃહ સિવાય ભોજન માટે ભંડારા ગૃહ અને મેડિકલ શિબિરનું આયોજન પણ કરવામાં આવશે.
22 જાન્યુઆરીએ વડા પ્રધાન નરેન્દ્ર મોદી અભિજિત મુહૂર્ત મૃગશીર્ષ નક્ષત્રમાં બપોરે 12:20 વાગ્યે રામ લલ્લાનો અભિષેક કરશે. આ કાર્યને આંતરરાષ્ટ્રીય સ્વરૂપ આપવા માટે રવિવારે સાકેત નિલયમમાં સંઘ પરિવારની બેઠક યોજાઈ હતી. જેમાં સમારોહના પ્રચારને ચાર તબક્કામાં વહેંચીને તૈયારીઓને આગળ ધપાવવાનો નિર્ણય લેવાયો હતો.
તેનો પ્રથમ તબક્કો રવિવારથી શરૂ થયો હતો અને 20 ડિસેમ્બર સુધી ચાલશે, જેમાં ફંકશનના એક્શન પ્લાનની રૂપરેખા તૈયાર કરવામાં આવશે. આ માટે નાની સ્ટિયરિંગ કમિટીની રચના કરવામાં આવશે. જિલ્લા અને બ્લોક સ્તરે 10-10 લોકોનું જૂથ બનાવવા માટે સંમતિ આપવામાં આવી છે.