નવી દિલ્હીઃ મહારાષ્ટ્રના નજીકના ભવિષ્યમાં ચૂંટણી થવાની છે, પણ અહીંના રાજકારણમાં ગરમાવો આવ્યો છે. રાજ્યમાં ભાજપ અને શિવસેના UBT નેતાઓની વચ્ચે મુલાકાતની અટકળો છે. વંચિત બહુજન આઘાડીએ દાવો કર્યો છે કે ડેપ્યુટી CM દેવેન્દ્ર ફડનવીસ ને ઉદ્ધવની વચ્ચે મીટિંગ થઈ છે.
પાર્ટીએ એવો પણ દાવો કર્યો છે કે રાજ્યસભાના સાંસદ સંજય રાઉતે દિલ્હીમાં ભાજપ ચીફ જે. પી. નડ્ડા સાથે પણ મુલાકાત કરી હતી. શું ઠાકરેનો પાલા બદલાવાની યોજના છે? જોકે આ અંગે બંને પક્ષોએ સત્તાવાર રીતે કંઈ કહ્યું નથી.પાર્ટીના પ્રવક્તા સિદ્ધાર્થ મોકલે દ્વારા એક વિડિયો સંદેશ જારી કરવામાં આવ્યો છે. મોકલેનો દાવો છે કે રાઉત 25 જુલાઈએ નડ્ડાને મળ્યા હતા. તેમણે કહ્યું હતું કે આ પછી 5 ઓગસ્ટે મહારાષ્ટ્રના નાયબ CM દેવેન્દ્ર ફડણવીસ માતોશ્રી બંગલે ગયા હતા. તેઓ એકલા જ ગયા હતા. બંને વચ્ચે બે કલાક સુધી મુલાકાત ચાલી હતી.
તેમણે કહ્યું હતું કે આ પછી છઠ્ઠી ઓગસ્ટે ઠાકરે દિલ્હી ગયા હતા. ઠાકરેએ સ્પષ્ટ કરવું જોઈએ કે તેમની દિલ્હી મુલાકાતમાં તેમની સાથે કોણ હતું અને તેઓ કોને મળ્યા હતા. અમે જે માહિતી મેળવી છે તે લોકો સમક્ષ મૂકી રહ્યા છીએ. આ દાવો એવા સમયે કરવામાં આવ્યો છે જ્યારે રાજ્યમાં વિધાનસભા ચૂંટણીની તૈયારીઓ ચાલી રહી છે, એમ તેમણે કહ્યું હતું.