બેંગલુરુઃ કેરળ, તામિલનાડુ પછી હવે કર્ણાટકમાં ચોમાસાના પ્રારંભ જ મુશળધાર વરસાદ વરસ્યો છે. હવામાન વિભાગે ત્રીજી જૂને વંટોળ અને કરાં સાથે 133 વર્ષમાં એક દિવસમાં થયેલો સૌથી વધુ વરસાદ છે. આ પહેલાં સૌથી વધુ વરસાદ 16 જૂન, 1891એ 101.6 મિમી નોંધાયો હતો. જૂનમાં સરેરાશ વરસાદ 106.5 મિમી હોય છે. છેલ્લા બે દિવસોમાં બેંગલુરુમાં 140.7 મિમી વરસાદ થયો છે.
બેંગલુરુમાં આગામી બે દિવસ સુધી વાદળો છવાયેલાં રહેશે ને વરસાદ જારી રહેવાની સંભાવના છે. શહેરમાં હળવાથી મધ્યમ વરસાદ થવાની શક્યતા છે. વિભાગે મહત્તમ અને લઘુતમ તાપમાન ક્રમશઃ 30 ડિગ્રી અને 20 ડિગ્રી સેલ્સિયસની આસપાસ રહેવાની સંભાવના વ્યક્ત કરી છે.
વિભાગે જણાવ્યું છે કે શહેરમાં આઠ-નવ જૂને પણ ભારે વરસાદ થવાની સંભાવના છે. શહેરમાં પડેલા ભારે વરસાદને પગલે અનેક વિસ્તારોમાં જળભરાવો થયો છે, જેનાથી વાહનવ્યવહાર ખોરવાયો છે અને જનજીવન પણ પ્રભાવિત થયું છે. શહેરમાં 58 જગ્યાએ જળભરાવો થયો છે અને 41 જગ્યાએ વૃક્ષો ઊખડી ગયાં છે.બેંગલુરુમાં આ પહેલાં જૂનમાં સૌથી વધુ વરસાદનો રેકોર્ડ 1996માં બનાવ્યો હતો. ત્યારે 228.2 મિમી વરસાદ થયો હતો. ત્યારે શહેરમાં ભારે વરસાદની સાથે કેટલાય ભાગોમાં પૂર આવ્યું હતું અને નુકસાન થયું હતું.
હવામાન વિભાગના વૈજ્ઞાનિકોએ છઠ્ઠી જૂન સુધી મહારાષ્ટ્રમાં મોન્સુનના વરસાદની શક્યતા વ્યક્ત કરી હતી. જ્યારે 10 જૂને મુંબઈમાં વરસાદ પહોંચવાની અપેક્ષા છે. હાલ દક્ષિણી પશ્ચિમી મોન્સુન દક્ષિણી કર્ણાટક સુધી પહોંચી ચૂક્યું છે. હવે મોન્સુન મહારાષ્ટ્રમાં પ્રવેશ કરશે. હવામાન વિભાગે કહ્યું હતું કે નોર્થ ઇસ્ટનાં બધાં રાજ્યોમાં મોન્સુન શરૂ થઈ ગયું છે, જ્યારે પશ્ચિમ બંગાળ પછી હવે મોન્સુન બિહારની તરફ વધશે.
