ઉત્તર ભારતમાં મેઘ તાંડવથી 53 લોકોનાં મોતઃ નદીઓ ઉફાન પર

નવી દિલ્હીઃ ઉત્તર ભારતમાં સતત થઈ રહેલા વરસાદથી પૂર જેવી સ્થિતિ ઊભી થઈ છે. પહાડ હોય કે મેદાન-દરેક જ્ગ્યાએ વરસાદી પાણી–પાણી છે. આ મેઘતાંડવને લીધે જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે. હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડથી માંડીને દિલ્હીથી માંડીને NCR સુધી દરેક જગ્યાએ મુશળધાર વરસાદ આફત બની ગઈ છે. દિલ્હીમાં રસ્તા તળાવ બન્યાં છે, જ્યારે ઉત્તરાખંડ-હિમાચલ પ્રદેશમાં લેન્ડ સ્લાઇડની ઘટનાઓ સામે આવી રહી છે. ઉત્તર ભારતમાં વરસાદ અને પૂર જેવી ઘટનાઓથી 53 લોકો માર્યા ગયા છે, એમાંથી માત્ર ઉત્તર પ્રદેશમાં 34 લોકોનાં મોત થયાં છે. મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથે જાનહાનિ પર દુઃખ વ્યક્ત કરતાં મૃતકોના પરિવારજનોને તત્કાળ રૂ. ચાર-ચાર લાખ આપવાની જાહેરાત કરી છે.

હિમાચલ પ્રદેશના ચંબા જિલ્લામાં છેલ્લા બે દિવસથી સતત થઈ રહેલા વરસાદથી જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે. નદી-નાળા ઉફાન પર છે. નદીની પાસે અનેક ઘર પાણીમાં ડૂબી ગયાં છે. રાવી, સતલજ, સ્વાન અને ચિનાબ સહિત મુખ્ય નદીઓ ઉફાન પર છે. દિલ્હીમાં યમુના સહિત દશના ઉત્તર ભારતમાં કેટલીય નદીઓનાં જળસ્તરમાં સતત વધારો થઈ રહ્યો છે. આ જળસ્તરમાં વધારો થવાને પગલે નદીઓએ રૌદ્ર સ્વરૂપ લીધું છે. અનેક શહેરો અને વિસ્તારોમાં રસ્તાઓ તથા રહેણાક વિસ્તારો ઘૂંટણસમા પાણીમાં ડૂબ્યા છે. રેકોર્ડ વરસાદને પગલે વહીવટી તંત્ર પાંગળું દેખાઈ રહ્યું છે. પર્વતીય વિસ્તારોમાં રસ્તાઓનું ધોવાણ થયું છે.

ઉત્તરાખંડમાં ઓરેન્જ એલર્ટ

ઉત્તરાખંડના કેટલાય જિલ્લાઓમાં હવામાન વિભાગે આગામી ત્રણ દિવસ ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ જારી કર્યું છે. ઉત્તરકાશી, હરિદ્વાર, પિથોરાગઢ, રુદ્રપ્રયાગ, નૈનિતાલમાં ભારે વરસાદની આશંકા વ્યક્ત કરવામાં આવી છે.  આ સાથે પશ્ચિમ બંગાળ, સિક્કિમ, આસામ, મેઘાલય, અરુણાચલ પ્રદેશ, નાગાલેન્ડ અને મણિપુર, પંજાબ, હરિયાણા, ઝારખંડ, બિહાર,  યુપી અને પૂર્વ રાજસ્થાનમાં આગામી પાંચ દિવસ ભારે વરસાદનું અલર્ટ જારી કરવામાં આવ્યું છે.