નવી દિલ્હી- ઈન્ટેલિજન્સના અહેવાલમાં એક ચોંકાવનારી વાત સામે આવી છે. તે મુજબ જમ્મુ-કશ્મીરમાં 450 જેટલા આતંકવાદીઓ ઘૂસણખોરી માટે તૈયાર છે. મળતી માહિતી પ્રમાણે કશ્મીરમાં આતંક મચાવવા પાકિસ્તાનની જાસુસી સંસ્થા ISIએ આતંકી સંગઠન લશ્કર-એ-તૈયબા અને જૈશ-એ-મોહમ્મદના 450 જેટલા આતંકીઓને પાકિસ્તાન અધિકૃત કશ્મીરના (PoK) વિવિધ સ્થિત લૉન્ચપેડ પર એકત્રિત કર્યા છે.મળતી માહિતી મુજબ આતંકીઓની ભારતમાં ઘૂસણખોરી કરાવવા માટે 11 નવા લૉન્ચ પેડ પણ સક્રિય કરવામાં આવ્યા છે. સૂત્રોનું માનીએ તો, આતંકવાદીઓ અમરનાથ યાત્રા પહેલાં કોઈ મોટી ઘટનાને અંજામ આપવા પ્રયાસ કરી રહ્યાં છે. આ દરમિયાન કેન્દ્રીય રાજ્યપ્રધાન જિતેન્દ્ર સિંહે જણાવ્યું છે કે, અમરનાથ યાત્રાનું શાંતિપૂર્ણ રીતે સમાપન કરવું એ કેન્દ્ર સરકારની પ્રાથમિકતા છે.
ઈન્ટેલિજન્સના અહેવાલ પ્રમાણે જે 450 આતંકી ભારતમાં ઘુસવા તૈયાર છે તેમાંથી સૌથી વધુ આતંકી જૈશ-એ-મોહમ્મદ સંગઠનના છે. જૈશના આતંકીઓને PoKમાં પાકિસ્તાની સૈન્યના કંટ્રોલવાળા વિસ્તારમાં બનાવવામાં આવેલા નયાલી પ્રશિક્ષણ કેમ્પમાં તાલીમ આપવામાં આવી છે. જ્યારે લશ્કરના આતંકીઓને પાકિસ્તાન અધિકૃત કશ્મીરના બોઈ, મદારપુર, ફગોશ અને દેવલિયાના તાલીમ કેમ્પમાં આતંકી તાલીમ આપવામાં આવી રહી છે. અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે, ISI હાલમાં જૈશના ત્રાસવાદીઓ પર વધુ ભરોસો રાખી રહ્યું છે.
PoKમાં રહેલા 11 લૉન્ચિંગ પેડ્સ અનુક્રમે કેલ, શારદી, દુધનિયાલ, અથમુગમ, જૂરા, લીપા, પછિબન ચમન, તન્ડપાની, નયાલી, જનકોટ અને નિકૈલ છે. આજ લૉન્ચિંગ પેડ્સ પરથી 450 આતંકવાદીઓ ભારતમાં ઘુસવા તૈયારી કરી રહ્યાં છે.