આ ચાર રાશિઓની છે કેટલીક ‘ઓર’ ખાસિયતો

રાશિઓ મુખ્યત્વે ચાર તત્વો અને ત્રણ સ્વભાવમાં વહેંચાયેલી છે. ચાર તત્વો અને ત્રણ સ્વભાવ થકી દરેક રાશિ બીજી રાશિથી અલગ પડે છે. એક રાશિના જાતકનો નફરતનો વિષય બીજી રાશિના જાતકનો મનગમતો વિષય પણ હોઈ શકે છે. એક જ રાશિની વ્યક્તિઓને દુશ્મન થતા પણ આપણે જોઈ છે, જેમ કે રામ અને રાવણ, કૃષ્ણ અને કંસ. માત્ર શબ્દોની આધાર લઈએ તો ઓબામા અને ઓસામાને પણ આ યાદીમાં મૂકી શકાય. કહેવાય છે કે પ્રાણ અને પ્રકૃતિ જોડે જ જાય છે, પણ રાશિઓ ક્યાંય જતી નથી તેના જાતકોના સ્વભાવમાં અમર રહે છે. જન્મસમયે ચંદ્ર જે રાશિમાં હોય તે જાતકની જન્મરાશિ થઇ. ચંદ્ર મનનો કારક ગ્રહ છે, મન સૌથી વધુ બળવાન છે, ઘણીવાર બુદ્ધિ પણ મનના પ્રશ્નોના જવાબ નથી આપી શકતી, ગમેતેવા મોટા જ્ઞાનીને પણ તેનું મન ચકરાવે ચઢાઈ મુકે છે. માટે જ જાતકની જન્મરાશિને વધુ મહત્વ અપાયું છે. જો કે રીતરિવાજ અને ભણતર પણ જાતકના રુચિના વિષયો બદલી શકે છે, પણ અહી જ્યોતિષની દ્રષ્ટિએ જ વાત કરવાની છે, રાશિઓની કેટલીક રસપ્રદ ‘ઓર’ વાતો નીચે મુજબ છે:

મેષ રાશિ ચર સ્વભાવ અને અગ્નિતત્વની રાશિ છે. પવનમાં જેમ આગ પ્રસરે તેમ તેઓ પણ કામના વિચારો આવતા પોતાનું કામ બમણા જોરથી કરવા લાગે છે. ઘણીવાર એવું પણ બનતું હોય છે કે મેષ રાશિના જાતકો શરૂઆતે શુરા દેખાય છે, પણ મેષ રાશિના જાતકો કોઈ પણ કામમાં ઢીલા નથી પડતા. પડ્યો બોલ ઝીલીને તેઓ તરત અમલ કરતા હોય છે. તેઓને અન્ય લોકોની દેખરેખનું કામ અથવા બીજા જોડે કામ લેવાનું કામ જો આપવામાં આવે તો તેઓ તેને શ્રેષ્ઠ રીતે કરી બતાવે છે. આ રાશિના જાતકો એક વાર કોઈ અભિપ્રાય બાંધે પછી જલદી ફેરફાર લાવતા નથી, સીધા જ ચાલવું તેમને ગમતું હોય છે. તેઓ માત્રને માત્ર કાર્ય પાર પાડવામાં જ સફળતા માને છે. બૌદ્ધિક ગતિ તીવ્ર હોય છે, પણ જો સાચી દિશા ના મળે તો તે બીજા માટે ઘાતક પણ બની શકે છે. વ્યવહારમાં તેઓ એકને એક બે જ થાય તેમ હઠાગ્રહપૂર્વક કહે છે.

વૃષભ રાશિના જાતકો આનંદ અને મોજ સાથે જીવવામાં માને છે. ગમતી વસ્તુઓ ભેગી કરવાની અને આરામપ્રિય જીવન જીવવું તેમની માટે સફળતાથી કમ નથી. આ રાશિના જાતકોમાં શારીરિક તાકાત કાયમ વધુ હોય છે કે કેમ? એ સંશોધનનો વિષય છે પણ તેઓ શારીરિક બળપ્રયોગ મોટેભાગે સારા કામ માટે જીવનમાં ઘણીવાર કરે છે તે અમે જોયું છે. વૃષભ રાશિના જાતકો પૈસેટકે સુખી થવામાં વધુ માને છે. વૃષભ રાશિના જાતકો માટે સુખી થવું અને આરામ કરવો ફરજિયાત છે. આ રાશિના જાતકો ઘણીવાર સરળ વાત સમજતાં નથી તેવું બને છે, આમ થવા પાછળ તેમનો અનુભવ જવાબદાર હોય છે. એકવાર કોઈનો ખરાબ અનુભવ થયો એટલે પત્યું, પછી તેની પર કાયમ માટે ચોકડી પણ વાગી શકે. આ રાશિનો પ્રેમી કે મિત્ર મળે તો આનંદ અને મોજ થાય એ નક્કી છે. વ્યવહારમાં એક ને એક બે થાય એમાં મારે શું? ધાડ મારી? એમ કહે છે.

ચર્ચા, ચર્ચા અને માત્ર ચર્ચા, આ બધા શબ્દો મિથુન રાશિના જાતકો માટે જ છે. તેમની ચર્ચા અને તેમના દ્વારા ચર્ચા કાયમ ચાલતી જ રહે છે. તેઓ બહુ બોલે છે, કોઈને સંભાળીને પછી તેને બોલીને ભગાડી મૂકી શકે છે. તેવી અજબની વાક શક્તિ આ રાશિના જાતકોમાં હોય છે. મિથુન રાશિના જાતકો કોઈ પણ વિષય પર ગમે તેટલી મિનીટ બોલી શકે, તેમનું આ હુનર તેમને બેસ્ટ સેલ્સપર્સન અને ક્યારેક વકીલ પણ બનાવી દે છે. તમે કોઈ સોદો કરવા માંગતા હોવ તો આ રાશિનો મિત્ર તમને ખરા અર્થમાં મદદરૂપ થઇ શકે છે. કોઈ કાચાપોચા વ્યક્તિનું કામ નથી કે મિથુન રાશિની વ્યક્તિ જોડેથી લેખિત બાંયેધારી લઇ આવે. મિથુન રાશિધારી મારા એક મિત્રને, કોઈ પણ ચમરબંધી બિઝનેસમેનને માત્ર દસ મિનિટમાં પોતાની વાક્શક્તિને લીધે ઢીલોઘેંસ કરી દેતા અમે જોયા છે. આ રાશિમાં બૌદ્ધિક જોર બહુ છે પણ તેમની શક્તિ સંગઠિત નથી થઇ શકતી તે એક પડકાર છે. વ્યવહારમાં તેઓ એક ને એક અગિયાર કરવા ઉપર ભાર મુકે છે.

ભાવનાઓ અને લાગણીઓનું વહેતું ઝરણું એટલે કર્ક રાશિ. ચર સ્વભાવ અને જળ તત્વ, સતત વહેતી લાગણીઓ તેમને પોચા દિલના અને ઘણીવાર પ્રેમને લીધે હારતાં વ્યક્તિ બનાવી દે છે. જ્યાં હૂંફ છે, એકબીજાને સમજવાની વાત છે, ત્યાં કર્ક રાશિ આવે છે. પણ આ રાશિના જાતકો જલદી ખુલીને બોલતા નથી. છતાં એકવાર તેમને આમંત્રણ આપવામાં આવે તો જેમ પૂરમાં પુલ તણાઈ જાય તેમ તેઓની વાતો આજુબાજુના પ્રેક્ષકોને પણ લાગણીના પૂરમાં તાણીને લઇ જાય તેવું બની શકે. આ રાશિની વ્યક્તિ માતા કે પત્ની તરીકે ઉત્તમ છે અને નસીબદારને જ મળે. તેમના જેટલી સહનશક્તિ અને પ્રેમ અન્ય રાશિઓમાં નથી જોવા મળતા. આ રાશિની વ્યક્તિઓમાં સામાજિક બાબતો માટે અને સંબંધો માટે અતિઉત્સાહ જોવા મળે છે. તેઓ સારા લેખક અને કવિ બની શકે છે. પરંતુ તર્કના વિષયોમાં તેમને નુકસાન થાય છે. તેઓ એક ને એક અગિયાર કરવામાં નથી માનતા.