નવી દિલ્હીઃ મધ્ય પ્રદેશના કુનો નેશનલ પાર્કમાં હાલ આઠ ચિત્તા છે. આવતા અઠવાડિયે એમની સાથે બીજા 12 ચિત્તા જોડાશે. નવા 12 ચિત્તાને દક્ષિણ આફ્રિકાના નામિબિયામાંથી લાવવામાં આવનાર છે.
કેન્દ્રના પર્યાવરણ, વન્ય તથા આબોહવા પરિવર્તન મંત્રાલયના સિનિયર અધિકારીઓનું કહેવું છે કે 12 ચિત્તાના બીજા બેચને મોકલવા અંગે દક્ષિણ આફ્રિકાના સત્તાવાળાઓ સાથે ઔપચારિક્તા પૂરી કરી લેવામાં આવી છે. આવતા અઠવાડિયાના અંતે વધુ 12 ચિત્તાઓને ભારત મોકલવામાં આવશે. આપણી ટીમ 13 જાન્યુઆરીએ રવાના થશે. પ્રક્રિયા અને સુપરવિઝન પૂરું થઈ ગયા બાદ તે ચિત્તાઓને લઈને ભારતીય ટીમ ભારત આવશે અને તે ચિત્તાઓને પણ કુનો નેશનલ પાર્કમાં જ રાખવામાં આવશે.