મોસ્કો-ગોવા ચાર્ટર્ડ-ફ્લાઈટમાંથી કોઈ શંકાસ્પદ ચીજ મળી નથી

જામનગરઃ રશિયાની ‘અઝૂર એર’ની મોસ્કોથી ગોવા આવતી એક ચાર્ટર્ડ ફ્લાઈટમાં બોમ્બ મૂકાયો હોવાની ધમકી મળ્યા બાદ ફ્લાઈટને ગઈ કાલે રાતે જામનગર તરફ વાળવામાં આવી હતી. રાતે લગભગ 9.49 વાગ્યે એનું જામનગરમાં ઈન્ડિયન એરફોર્સ બેઝ એરપોર્ટ પર ઈમર્જન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું હતું. ત્યાં વિમાનની પૂરી ચકાસણી કરવામાં આવી હતી. વિમાનમાં 244 પ્રવાસીઓ છે. વિમાને ગઈ કાલે રાતે જામનગર એરપોર્ટ પર સુરક્ષિત રીતે ઉતરાણ કર્યા બાદ તમામ પ્રવાસીઓને વિમાનમાંથી નીચે ઉતારવામાં આવ્યા હતા.

જામનગર એરપોર્ટના ડાયરેક્ટરે કહ્યું કે, નેશનલ સિક્યુરિટી ગાર્ડ (એનએસજી)ના જવાનોએ વિમાનમાં પૂરી તપાસ કરી હતી, એમને તેમાંથી બોમ્બ જેવી કોઈ શંકાસ્પદ ચીજ મળી આવી નથી. વિમાનને આજે સવારે 10.30 અને 11 વાગ્યાની વચ્ચે ગોવા જવા દેવામાં આવશે એવી ધારણા છે.

જામનગર જિલ્લાના કલેક્ટર સૌરભ પારધીએ પણ એએનઆઈ સમાચાર સંસ્થાને જણાવ્યું છે કે સુરક્ષા એજન્સીઓનાં જવાનોએ ગઈ કાલે રાતે જ વિમાનમાં ચકાસણી કરી હતી, જે આજે વહેલી સવાર સુધી ચાલુ રખાઈ હતી. સુરક્ષા એજન્સીઓએ વિમાનના તમામ પ્રવાસીઓની પણ વિગતોની ચકાસણી કરી છે. પેસેન્જરોના રાબેતા મુજબના સ્કેનિંગની જેમ જ ચેકિંગ કરવામાં આવ્યું છે. એમનો સામાન પણ ચેક કરવામાં આવ્યો છે. ચેકિંગની પ્રક્રિયા લગભગ નવ કલાક સુધી ચાલી હતી.

વિમાનમાં કથિતપણે બોમ્બ મૂકાયો હોવા વિશે ગોવા એન્ટી-ટેરરિસ્ટ સ્ક્વોડે જામનગર એરપોર્ટના ડાયરેક્ટરને જાણ કરી હતી. ત્યારબાદ વિમાનને જામનગર તરફ વાળી દેવામાં આવ્યું હતું અને ત્યાં એનું તાકીદે ઉતરાણ કરવામાં આવ્યું હતું. વિમાનના ઈમર્જન્સી લેન્ડિંગને પગલે બોમ્બ શોધક નિષ્ણાતોની એક ટૂકડી જામનગર એરપોર્ટ પહોંચી ગઈ હતી. વિમાનને આઈસોલેશન બૅ ખાતે લઈ જવામાં આવ્યું હતું. કેસમાં તપાસ શરૂ કરવામાં આવી હતી. બનાવની જાણ થતાં સેન્ટ્રલ ઈન્ડસ્ટ્રિયલ સિક્યુરિટી ફોર્સના અધિકારીઓ, જિલ્લા કલેક્ટર તથા પોલીસ સુપ્રિન્ટેન્ડન્ટ સહિત સમગ્ર વહીવટીતંત્રનો કાફલો એરપોર્ટ પર ધસી ગયો હતો.

ભારતસ્થિત રશિયન દૂતાવાસે પણ આ બનાવ અંગે એક નિવેદન બહાર પાડ્યું છે, જેમાં જણાવ્યું છે કે, મોસ્કોથી ગોવા જતી અઝૂર એરની ફ્લાઈટમાં બોમ્બ મૂકાયાની શંકા હોવા વિશે ભારત સરકારે દૂતાવાસને જાણ કરી હતી. વિમાનના તમામ પ્રવાસીઓ સુરક્ષિત છે. સત્તાવાળાઓએ વિમાનની ચકાસણી કરી છે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]