આદરણીય મધુરીબેન કોટકને પ્રાર્થનાસભામાં હૃદયપૂર્વકની શ્રદ્ધાંજલિ અર્પણ

‘ચિત્રલેખા’નાં સહ-સંસ્થાપક દિવંગત મધુરીબેન વજુભાઇ કોટકની સ્મૃતિમાં આજે સાંજે વિલે પાર્લે (વેસ્ટ), મુંબઈસ્થિત જલારામ હોલ ખાતે પ્રાર્થનાસભાનું આયોજન કરવામાં આવ્યું હતું. તેમાં કોટક પરિવારનાં સભ્યો, સગાં-સંબંધીઓ, નામાંકિત હસ્તીઓ તથા ‘ચિત્રલેખા’ પરિવારનાં સભ્યોએ વંદનીય મધુરીબેનને હૃદયપૂર્વકની શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.

કાર્યક્રમમાં ઉદય મઝુમદાર અને ભક્તિ આસાનીએ ભક્તિ ગીતો રજૂ કર્યાં હતાં. પ્રાર્થનાસભામાં ઉપસ્થિત રહેનાર નામાંકિતોમાં ગુજરાતી અભિનેત્રીઓ સરિતા જોશી અને રાગિણી, અભિનેતાઓ દીપક ઘીવાળા અને સનત વ્યાસ, સંજય છેલ, હરિશ ભિમાણી, જન્મભૂમિ જૂથના મેનેજિંગ તંત્રી કુંદન વ્યાસ, લેખિકા વર્ષા અડાલજા, રાજુલ દીવાન, ઈલા આરબ મહેતા, જિજ્ઞેશ શાહ, દેવેન ચોક્સી, ગૌરવ મશરૂવાળા, લાલુભાઈ તથા રૂપા બાવરી, એડવોકેટ સુધીર શાહ, પીડીલાઈટના નરેન્દ્રભાઈ પારેખ તથા અન્યોનો સમાવેશ થાય છે.

કાર્યક્રમનું સંચાલન મુકેશ જોશીએ કર્યું હતું અને ‘કર્મશીલ’ એવાં મધુરીબેનનાં જીવનના કેટલાંક સંસ્મરણોને વાગોળ્યા હતા.

(તસવીરોઃ દીપક ધુરી)

 

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]