નૂંહ તણાવ વચ્ચે VHPના 11 લોકોને મળી ‘જળાભિષેક’ની મંજૂરી

નૂહઃ જુલાઈ પછી ફરી એક વાર નૂંહમા ટેન્શન પ્રવર્તી રહ્યું છે. હિન્દુ પક્ષ શ્રાવણના છેલ્લા સોમવારે બૃજમંડળ યાત્રા કાઢવા માટે જીદ કરી રહ્યો છે. જ્યારે સરકારે આ યાત્રા પર પ્રતિબંધ મૂકી દીધો છે. સરકારે સાવચેતીરૂપે નૂંહ અને સોનીપતમાં કલમ 144 લગાવી દીધી છે. મેવાત વિસ્તારમાં બધાં શહેરોમાં પોલીસની તહેનાત કરવામાં આવી છે. વાહનોની તપાસ કરવામાં આવી રહી છે. નૂંહમાં ઇન્ટરનેટ પણ બંધ કરી દેવામાં આવ્યું છે.

જોકે વિશ્વ હિંદુ પરિષદ (VHP) અને બજરંગ દળ ફરીથી કાવડ (બ્રજમંડળ) યાત્રા મામલે મક્કમ છે. હરિયાણા સરકારે 10-15 સંતોને નલહરેશ્વર મંદિરમાં જલાભિષેક માટે મંજૂરી આપવામાં આવી છે. પોલીસ સત્તાવાળાઓ પાસે મંદિરમાં જનાર તમામ સાધુ-સંતોની સંપૂર્ણ યાદી છે. જોકે પોલીસે શહેરમાં બજરંગ દળના સભ્યોને નૂંહ પહોંચવા પર પ્રતિબંધ મૂક્યો છે અને કેટલાય કાર્યકર્તાઓના સભ્યોની અટકાયત પણ કરી છે.

આ પહેલાં 31 જુલાઈએ કાવડ યાત્રામાં હિંસા થઈ હતી. જેમાં હોમગાર્ડ સહિત છ લોકો શહીદ થયા હતા. હરિયાણા પોલીસે નૂંહમાં વિસ્તૃત સુરક્ષા વ્યવસ્થા હોવાનો દાવો કર્યો છે. ડ્રોન દ્વારા સંવેદનશીલ વિસ્તારો પર નજર રાખવામાં આવી રહી છે. 27 ઓગસ્ટથી જિલ્લાની તમામ સરહદો સીલ કરી દેવામાં આવી છે. હરિયાણાની દિલ્હી, રાજસ્થાન અને યુપી સાથેની સરહદો પણ સીલ કરી દેવામાં આવી છે.

સરહદી વિસ્તારમાં મોટી સંખ્યામાં પોલીસકર્મચારીઓ અને અર્ધલશ્કરી દળના જવાનોને તૈનાત કરવામાં આવ્યા છે, જેઓ આવતા-જતા તમામ વાહનોનું ચેકિંગ કરી રહ્યા છે. આ તરફ નૂહની શાળા-કોલેજ, બેંક અને અન્ય તમામ ઓફિસો પણ બંધ રાખવામાં આવી છે.

રાજ્યના મુખ્ય મંત્રીએ યાત્રાના પહેલાં કહ્યું હતું કે નૂંહમાં ફરી યાત્રા કાઢવાની મંજૂરી આપવામાં આવી નથી. એક મહિના પહેલા જ અહીં હિંસક ઘટના બની હતી અને તે અંગે સાવચેતી રાખવાની જરૂર છે. તેમણે લોકોને અપીલ કરી હતી કે તેઓ નૂંહમાં ન જાય અને તેમના નજીકના મંદિરમાં જલાભિષેકનો કાર્યક્રમ કરે.

યાત્રાનો કાર્યક્રમ

VHP દ્વારા આજની કાવડ યાત્રા માટે જાહેર કરાયેલા સમયપત્રક મુજબ, યાત્રા સવારે 11 વાગ્યે નૂંહના નલ્હડ ગામમાં સ્થિત ઐતિહાસિક નલહરેશ્વર મહાદેવ મંદિરથી જલાભિષેક સાથે શરૂ થશે. અહીંથી યાત્રા નૂંહ નગર થઈને ફિરોઝપુર ઝિરકા પહોંચશે અને પછી સિંગર ગામ સુધી જશે. સિંગર ગામમાં જ આ યાત્રા સમાપ્ત થશે. આ દરમિયાન નલહરેશ્વર મંદિર અને ફિરોઝપુર ઝિરકા અને સિંગર ગામના મંદિરોમાં જલાભિષેકનો કાર્યક્રમ યોજાશે.