મંડીમાં વાદળ ફાટતાં આવેલા પૂરથી 10 લોકોનાં મોત, 34 લાપતા

નવી દિલ્હીઃ હિમાચલ પ્રદેશની હાલબેહાલ છે. ભારે વરસાદે રાજ્યના અનેક વિસ્તારોમાં વિનાશ વેર્યો છે. રાજ્યના મંડી જિલ્લામાં છેલ્લા 32 કલાકમાં વાદળ ફાટવાની ઘટનાઓ અને અચાનક આવેલા પૂરને કારણે ઓછામાં ઓછા 10 લોકોનાં મોત થયાં છે અને 34 લોકો લાપતા થયા છે. આ માહિતી સ્ટેટ ઇમર્જન્સી ઓપરેશન સેન્ટર (SEOC) દ્વારા આપવામાં આવી છે.

SEOC ના મોનસુન સ્ટેટસ રિપોર્ટ મુજબ રાજ્યમાં અત્યાર સુધી વાદળ ફાટવાની 16 ઘટનાઓ અને  અચાનક ત્રણ પૂરની ઘટનાઓ નોંધાઈ છે, જેમાં મોટા ભાગની ઘટનાઓ મંડી જિલ્લામાં કેન્દ્રિત રહી છે, જેને કારણે ભારે નુકસાન થયું છે. SEOC એ પોતાના નિવેદનમાં જણાવ્યું હતું કે થુનાગ, કરસોગ અને ગોહર ઉપજિલ્લાઓના અનેક વિસ્તારોમાં ભારે વાદળ ફાટવાથી મિલકતને ભારે નુકસાન થયું છે, લોકો ગુમ થયા છે અને જાનહાનિ પણ થઈ છે. ગોહરના સિયાન્ઝ વિસ્તારમાં બે ઘરો વહેતાં થઈ ચૂક્યાં છે, જેમાં નવ લોકો ગુમ થયેલા છે અને એમાંથી બેના મૃતદેહ મળી આવ્યા છે.

કરસોગના કુટ્ટી બાયપાસ વિસ્તારમાં વાદળ ફાટવાથી બે લોકોનાં મોતની પુષ્ટિ થઈ છે અને બે લોકો ગુમ છે, જ્યારે બીજા સાત લોકોને સુરક્ષિત રીતે બચાવી લેવામાં આવ્યા છે. રિપોર્ટ મુજબ કરસોગ, ગોહર અને થુનાગના અસરગ્રસ્ત વિસ્તારોમાં NDRF અને SDRFની ટીમો સાથે શોધખોળ અને બચાવ અભિયાન ચાલી રહ્યું છે.

હમીરપુર જિલ્લાના બલ્હા ગામે અચાનક આવેલા પૂરને કારણે વ્યાસ નદીની નજીક ઘણા પરિવારો ફસાઈ ગયા હતા. SEOC એ જણાવ્યું હતું કે પોલીસ ટીમોએ 30 મજૂરો અને 21 સ્થાનિક રહેવાસીઓ સહિત કુલ 51 લોકોને બચાવ્યા છે.