રાષ્ટ્રપતિ ભવનમાં પણ ઘૂસ્યો કોરોના; 125 પરિવારોને આઈસોલેટ કરાયા

નવી દિલ્હીઃ અહીંના રાષ્ટ્રપતિ ભવનમાં એક જણનો કોરોના વાઈરસનો રિપોર્ટ પોઝિટીવ આવતાં સમગ્ર તંત્ર સતર્ક થઈ ગયું છે. સાવચેતીના કારણસર 125 પરિવારોને આઈસોલેટ કરી દેવામાં આવ્યા છે. એમને હોમ ક્વોરન્ટાઈન કરી દેવામાં આવ્યા છે.

રાષ્ટ્રપતિ ભવનમાં સફાઈ કામ કરતી એક મહિલાનો કોરોના રિપોર્ટ પોઝિટીવ આવ્યો છે.

એને કારણે એ કામદારના પરિવારને તેમજ સંકુલમાં રહેતા અન્ય 125 ઘરોનાં સભ્યોને સેલ્ફ-ક્વોરન્ટાઈન કરી દેવામાં આવ્યા છે.

કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયની માર્ગદર્શિકા અનુસાર ચેપગ્રસ્ત દર્દીની નજીક રહેલા તમામ પરિવારોના લોકોને હોમ ક્વોરન્ટાઈન કરી દેવામાં આવ્યા છે.

આ સાથે, ભારતમાં કોરોના વાઈરસના પોઝિટીવ કેસોની કુલ સંખ્યા 18,539 પર પહોંચી છે. વર્લ્ડમીટરના જણાવ્યા અનુસાર, ભારતમાં આ રોગચાળાને કારણે અત્યાર સુધીમાં 592 જણ મૃત્યુ પામ્યા છે.

વિશ્વસ્તરે કોરોનાગ્રસ્ત દર્દીઓની સંખ્યા 24,74,753 પર પહોંચી છે. દુનિયાભરમાં અત્યાર સુધીમાં આ રોગચાળો 1,69,117 જણનો ભોગ લઈ ચૂક્યો છે.