નવી દિલ્હીઃ અમેરિકન અબજોપતિ એલન મસ્કની આ કંપની દેશમાં હાઇ-સ્પીડ સેટેલાઇટ ઇન્ટરનેટ સેવા શરૂ કરતાં પહેલાં ઝડપથી પોતાનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર તૈયાર કરી રહી છે. કંપનીએ દેશભરમાં નવ ગેટવે અર્થ સ્ટેશન સ્થાપવાની યોજના બનાવી છે, જેમાં મુંબઈ, નોઇડા, ચંડીગઢ, હૈદરાબાદ, કોલકાતા અને લખનૌ જેવાં મોટાં શહેરોનો સમાવેશ થાય છે. આ પગલું ભારતમાં ઝડપી અને વિશ્વસનીય ઇન્ટરનેટ કનેક્ટિવિટીનો નવો યુગ શરૂ થવાનો સંકેત આપે છે.
કંપનીએ પોતાની Gen 1 સેટેલાઇટ કોન્સ્ટેલેશન દ્વારા 600 ગિગાબિટ પ્રતિ સેકન્ડ ક્ષમતા માટે અરજી કરી છે. દૂરસંચાર વિભાગ (DoT)એ હાલ કંપનીને ડેમો માટે પ્રોવિઝનલ સ્પેક્ટ્રમ ફાળવી આપ્યા છે, જેથી સુરક્ષા ધોરણોની તપાસ કરી શકાય. આ મંજૂરી હેઠળ સ્ટારલિંકને 100 યુઝર ટર્મિનલ ઇમ્પોર્ટ કરવાની અને માત્ર ફિક્સ્ડ સેટેલાઇટ સર્વિસના ડેમો કરવાની મંજૂરી આપવામાં આવી છે.
સરકારી સૂત્રોએ જણાવ્યું હતું કે સ્ટારલિંકને પરીક્ષણમાં સુરક્ષા સંબંધિત તમામ શરતોનું કડક પાલન કરવું પડશે, કારણ કે સેટેલાઇટ કોમ્યુનિકેશન (Satcom) જો ખોટા હાથે પહોંચે તો દેશની સુરક્ષા જોખમમાં આવી શકે છે. તેથી સ્ટારલિંકને સૂચના આપવામાં આવી છે કે ગૃહ મંત્રાલય દ્વારા વિદેશી ટેક્નિકલ નિષ્ણાતોને મંજૂરી ન મળે ત્યાં સુધી ફક્ત ભારતીય નાગરિકો જ આ ગેટવે સ્ટેશનોનું સંચાલન કરશે.
સુરક્ષા સામે ચિંતાઓ
આ પહેલાં પણ ભારતની સુરક્ષા એજન્સીઓએ કેટલીક પ્રતિબંધિત વિસ્તારોમાં સ્ટારલિંક ટર્મિનલના ગેરકાયદે ઉપયોગને લઈને ચિંતા વ્યક્ત કરી હતી. માર્ચ, 2025માં ગૃહ મંત્રાલયે દૂરસંચાર વિભાગને તપાસના નિર્દેશ આપ્યા હતા, જ્યારે મણિપુર અને આંદામાન-નિકોબાર દ્વીપસમૂહમાં ગેરકાયદે સ્ટારલિંક ઉપકરણો જપ્ત કરવામાં આવ્યાં હતાં. ત્યાર બાદ સરકારે ડેટા લોકલાઇઝેશન અને નિયમિત રિપોર્ટિંગ ફરજિયાત કર્યું હતું.
હવે કંપનીને માનવા પડશે ભારતીય નિયમો
શરૂઆતમાં સ્ટારલિંકે સુરક્ષા એજન્સીઓની ચિંતાઓને ગંભીરતાથી ન લીધી હતી, પરંતુ હવે કંપનીને ભારતમાં સેટેલાઇટ કમ્યુનિકેશનની મંજૂરી મળી ગઈ હોવાથી કંપનીએ કડક સુરક્ષા નિયમોનું પાલન કરવું ફરજિયાત બન્યું છે.





