મુંબઈની પ્રથમ અન્ડરગ્રાઉન્ડ મેટ્રો આ તારીખથી શરૂ, જાણો તમામ માહિતી

મુંબઈ: પહેલી અંડરગ્રાઉન્ડ મેટ્રો મુંબઈ શહેરમાં 24મી જુલાઈથી શરૂ થશે. ભાજપના રાષ્ટ્રીય મહાસચિવ વિનોદ તાવડેએ જણાવ્યું હતું કે મેટ્રો 3 – એક્વા લાઇન મુંબઈની પ્રથમ ભૂગર્ભ મેટ્રો હશે. તેમણે કહ્યું હતું કે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ મુંબઈવાસીઓનું જીવન સરળ બનાવવાની ખાતરી આપી હતી અને તે પૂર્ણ થવા જઈ રહી છે. આ મેટ્રો શહેરની ગતિ વધારવામાં મદદ કરશે.

એક્વા લાઇન કોલાબા, SEEPs અને બાંદ્રા જેવા શહેરના મુખ્ય વિસ્તારોને જોડશે. સરકારના જણાવ્યા અનુસાર, આરે કોલોનીથી કફ પરેડ સુધીના 33.5 કિલોમીટરના રૂટમાં કુલ 27 સ્ટોપ હશે. લાઇન 1નું નિર્માણ ખાનગી ભાગીદાર રિલાયન્સના સહયોગથી કરવામાં આવ્યું હતું, લાઇન 3નું નિર્માણ મુંબઈ મેટ્રોપોલિટન રિજન ડેવલપમેન્ટ ઓથોરિટી હેઠળ કરવામાં આવ્યું હતું.

એકસાથે 3 હજાર લોકો મુસાફરી કરી શકશે

X પર ભારત સરકારની પોસ્ટ અનુસાર, નવી મેટ્રો લાઇન ‘શહેરી પરિવહનને પરિવર્તિત કરશે, મુંબઈના રસ્તાઓ પર મુસાફરીને સરળ બનાવશે અને ટ્રાફિકની ભીડમાં ઘટાડો કરશે. એક્વા મેટ્રો લાઇનની દૈનિક મુસાફરોની ક્ષમતા 17 લાખ લોકોની હશે. મેટ્રોમાં એક સાથે ત્રણ હજાર લોકો ચડી શકશે. મે મહિનામાં ટ્રાયલ રનની સફળ શ્રેણી હાથ ધરવામાં આવી હતી, જ્યાં મેટ્રો આરે કોલોનીથી દાદર સુધી સરળતાથી કાર્યરત હતી.

ધ ઈકોનોમિક ટાઈમ્સના રિપોર્ટ અનુસાર, સમગ્ર પ્રોજેક્ટનો ખર્ચ આશકે 37000 કરોડ રૂપિયા થવાનો અંદાજ છે. જાપાન ઈન્ટરનેશનલ કોઓપરેશન એજન્સીએ પ્રોજેક્ટના મોટા હિસ્સા માટે નાણાં પૂરાં પાડ્યાં હતાં. હાલમાં, લાઇન 1, 2a અને 7 મુંબઈમાં કાર્યરત છે, અન્ય લાઇન હજુ બાંધકામ હેઠળ છે. લાઇન 3 શરૂ થવાથી શહેરમાં કનેક્ટિવિટી વધશે, ખાસ કરીને દક્ષિણ મુંબઈના મુસાફરો માટે.

મેટ્રોનો સમય

દરરોજ સવારે 6:30 થી 11:00 વાગ્યા સુધી દરેક થોડી મિનિટોમાં એક મેટ્રો લોકો માટે ઉપલબ્ધ રહેશે. માર્ગ મુસાફરીની તુલનામાં મુસાફરોને નોંધપાત્ર સમય બચાવવાની અપેક્ષા છે, કારણ કે મેટ્રો પ્રતિ કલાક 90 કિમીની ઝડપે પહોંચી શકે છે. 35 કિમીની મુસાફરી, જે સામાન્ય રીતે રોડ દ્વારા બે કલાકથી વધુ સમય લે છે, તે મેટ્રો દ્વારા માત્ર 50 મિનિટમાં પૂર્ણ થશે.

આ મેટ્રો સ્ટેશનો પર હશે સ્ટોપ

આ સ્ટેશનો છે કફ પરેડ, વિધાન ભવન, ચર્ચગેટ, હુતાત્મા ચોક, સીએસટી મેટ્રો, કાલાબાદેવી, ગિરગાંવ, ગ્રાન્ટ રોડ, મુંબઈ સેન્ટ્રલ મેટ્રો, મહાલક્ષ્મી, સાયન્સ મ્યુઝિયમ, આચાર્ય અત્રે ચોક, વરલી, સિદ્ધિવિનાયક, દાદર, શીતળાદેવી, ધારાવી, બીકેસી, વિદ્યાનગર, સાંતાક્રુઝ, ડોમેસ્ટિક એરપોર્ટ, સહર રોડ, ઇન્ટરનેશનલ એરપોર્ટ, મરોલ નાકા, MIDC, SEEPs અને આરે ડેપો.