મુંબઈઃ ‘જો ઢોર ફરિયાદ કરે તો…’ આ શિર્ષક સાથે ગુજરાતી માધ્યમના દસમા ધોરણના પુસ્તકમાં લેખક-સાહિત્યકાર ડો. દિનકર જોષીનો એક પાઠ છે. તેના વિશે પોતાના વિચારો વ્યક્ત કરવા અને વિદ્યાર્થીઓ સાથે ચર્ચા-સંવાદ કરવા ડો. દિનકર જોષીને તાજેતરમાં કાંદિવલી એજ્યુકેશન સોસાયટી સંચાલિત સરદાર વલ્લભભાઇ પટેલ વિવિધલક્ષી વિદ્યાલયમાં આમંત્રણ અપાયું હતું. શાળાના વર્ગખંડમાં પોતાના વક્તવ્યની શર઼ુઆત કરતાં દિનકર જોષીએ પ્રથમ વાક્ય કહ્યું હતું કે, ‘હું આજે 75 વર્ષ નાનો થઈ ગયો.’ આ સાથે ભાવુક થયેલા વરિષ્ઠ લેખક દિનકરભાઈએ પોતાના શાળાકીય જીવનના દિવસોનું સ્મરણ કર્યું હતું. પોતે પણ આ જ શાળાના વિદ્યાર્થી હોવાનો ગર્વ પણ તેમણે વ્યક્ત કર્યો હતો.
મહારાષ્ટ્ર રાજ્યના ગુજરાતી માધ્યમના પ્રથમ ભાષાના પાઠ્યપુસ્તકમાં “જો ઢોર ફરિયાદ કરે તો…” પાઠના લેખક દિનકરભાઇએ પોતાને આ પાઠ લખવા પાછળની પ્રેરણા ક્યાંથી મળી તે વિશે એક ઘટના સાથે સંકળાયેલા વિચારો વિદ્યાર્થીઓને જણાવ્યા હતા. દિનકરભાઇ એકવાર અને એમના મિત્ર સાથે અમદાવાદથી રોડ માર્ગે મુસાફરી કરતા હતા ત્યારે રસ્તામાં ઘણી બધી ગાયોને બેઠેલી જોઈ હતી. મિત્રએ પૂછ્યું હતું કે, ‘આ ગાયો કેમ રસ્તામાં વચ્ચે બેઠેલી જોવા મળે છે?’ એના જવાબમાં ત્યાંના એક સ્થાનિક મિત્રએ કહ્યું હતું કે, ‘અહીં આ ગાયોના ચરિયાણ હતા.’ તેના પરથી લેખક દિનકરભાઈને વિચાર સ્ફૂર્યો “જો ઢોર ફરિયાદ કરે તો…”. દિનકરભાઈને થયું, ‘આ ગાયો આપણી વચ્ચે નથી આવી, આપણે તેમની વચ્ચે આવ્યા છીએ.’
સૃષ્ટિમાં બધી વસ્તુઓ માત્ર માનવો માટે નથી
આજ પાઠમાં બીજા એક પ્રસંગમાં આંબા અને મ્હોરની વાત ટાંકતા દિનકરભાઈએ એક ખેડૂતના વિચારપ્રેરક શબ્દો કહ્યા હતા. તે ખેડૂતે એમ કહ્યું હતું કે, ‘સૃષ્ટિમાં જે કંઈપણ વસ્તુઓ છે એ માત્ર મનુષ્યો માટે નથી, પરંતુ પશુ, પક્ષી, ધરતી, અન્ય જીવો સહિત બધાને માટે છે.’ આમ દિનકરભાઈએ વિદ્યાર્થીઓને એક નવો વિચાર આપ્યો.
તેમણે વિદ્યાર્થીઓને વાંચવાની આદત વિકસાવવાની પણ સલાહ આપી હતી. એમ પણ કહ્યું કે, ‘તમારે વડીલોને માન આપવું જોઈએ’, ઘરમાં દાદા-દાદીનું હોવું કેટલું અગત્યનું છે એ પણ તેમણે સમજાવ્યું હતું. તે ઉપરાંત એમણે વિદ્યાથીઓને લખવા માટે પણ પ્રોત્સાહન આપ્યું હતું.
દિનાન્શુ નામના એક એક વિદ્યાર્થીએ દિનકરભાઈનું ચિત્ર બનાવ્યું હતું, જે તેમને ભેટમાં આપવામાં આવ્યું હતું. દિનકરભાઈએ તે વિદ્યાર્થીને તેનો આ શોખ, આ કળાને ક્યારેય પણ ન છોડવાની સલાહ આપી હતી.
શાળાનાં ગુજરાતી ભાષાના શિક્ષિકા દિપ્તીબેન રાઠોડે આવકારના શબ્દો સાથે અને શાળાના આચાર્ય જોન સરે પુષ્પગુચ્છ આપી દિનકરભાઈનું સ્વાગત કર્યું હતું. શાળાની ધોરણ 10ની વિદ્યાર્થિની બીના ચૌહાણે આભાર વ્યક્ત કર્યો હતો. શાળાના શિક્ષક કેતનભાઇ અને ભાવેશભાઈની મદદથી વિદ્યાર્થીઓએ એક જ કલાકમાં એમના ચિત્રની ફ્રેમ તૈયાર કરીને અર્પણ કરી હતી.
(દિપ્તીબેન રાઠોડ)