ટોલ ટેક્સ વસૂલી બંધ કરો, નહીં તો ટોલ બૂથ સળગાવી દઈશું: રાજ ઠાકરે

મુંબઈઃ ટોલ ટેક્સને રાજ્યનું સૌથી મોટું કૌભાંડ ગણાવીને મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (મનસે) પાર્ટીના વડા રાજ ઠાકરેએ આજે માગણી કરી છે કે સરકાર રોડ-ટોલ ટેક્સ વસૂલી પ્રથાનો અંત લાવે નહીં તો એમની પાર્ટીના કાર્યકર્તાઓ ટોલ બૂથને સળગાવી દેશે. રાજ્ય સરકાર સામે બાંયો ચડાવીને રાજ ઠાકરેએ કહ્યું છે કે બહુ જ થોડા જ વખતમાં એમની પાર્ટીના કાર્યકર્તાઓ ટોલ બૂથ પર જશે અને નાના વાહનો પાસેથી ટોલ ટેક્સ વસૂલ કરવાના કામકાજને રોકશે.

અહીં પત્રકારો સાથેની વાતચીત દરમિયાન ઠાકરેએ એવી ધમકી ઉચ્ચારી છે કે, ‘હું બે દિવસમાં મુખ્ય પ્રધાન એકનાથ શિંદે સાથે આ મુદ્દે ચર્ચા કરવાનો છું અને જોઉં છું એ શું પ્રતિસાદ આપે છે… તે પછી મારા માણસો ટોલ બૂથો પર જશે અને ધ્યાન રાખશે કે નાના વાહનો પાસેથી ટેક્સની વસૂલી કરાય નહીં. જો સરકાર અમારી સામે પગલું લેશે તો અમે ટોલ બૂથોને સળગાવી દઈશું. રોડ ટોલ ટેક્સ રાજ્યનું સૌથી મોટું કૌભાંડ છે. ટોલ વસૂલીનો કોન્ટ્રાક્ટ દર વર્ષે એક જ કંપનીઓને શા માટે આપવામાં આવે છે?’ એવો સવાલ પણ તેમણે ઉઠાવ્યો છે. ‘આપણે રોડ ટેક્સ તો ચૂકવીએ જ છીએ તો ટોલ ટેક્સ આપણે શા માટે ચૂકવવો જોઈએ?’ એમ તેમણે વધુ સવાલ કર્યો હતો.