-તો મહારાષ્ટ્રમાં ફરીથી લોકડાઉન લાગુ કરવાની ચેતવણી

મુંબઈઃ મહારાષ્ટ્રના આરોગ્ય પ્રધાન રાજેશ ટોપેએ ચેતવણી ઉચ્ચારી છે કે રાજ્યમાં કોરોનાવાઈરસ રોગચાળાનો ફેલાવો રોકવા માટે લાદવામાં આવેલા નિયંત્રણો હળવા તો કરવામાં આવ્યા છે, પરંતુ જે દિવસે રાજ્યમાં કોરોનાની ત્રીજી લહેર વખતે ઓક્સિજનની પ્રતિ દિનની માગણી 700 મેટ્રિક ટનના આંકે પહોંચી જશે કે તરત જ રાજ્યમાં ફરીથી કડક રીતે લોકડાઉન લાગુ કરી દેવામાં આવશે. તેથી નાગરિકોએ સતર્ક રહેવું. કોરોનાની ત્રીજી લહેર વખતે બીજા રાજ્યોને પણ ઓક્સિજનની જરૂર પડશે તેથી મહારાષ્ટ્રને તેની જરૂરિયાત મુજબ ઓક્સિજનનો પુરવઠો કેન્દ્ર સરકાર તરફથી મળશે કે કેમ તે હજી સ્પષ્ટ નથી.

ટોપેએ આજે જાહેરાત કરી છે કે રાજ્યમાં 15 ઓગસ્ટથી રેસ્ટોરન્ટ્સ, હોટેલ્સ, શોપિંગ મોલ્સને દરરોજ રાતે 10 વાગ્યા સુધી અને 50 ટકા ક્ષમતા સાથે ખુલ્લા રાખી શકાશે. આ વિશે રાજ્યના પ્રધાનમંડળની આજે મળેલી બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યો છે. અત્યાર સુધી આ પરવાનગી માત્ર સાંજે 4 વાગ્યા સુધીની આપવામાં આવી છે. ‘અનલોક’ના નવા નિર્ણયનો અમલ 15 ઓગસ્ટથી કરાશે.

મહારાષ્ટ્રના આરોગ્ય પ્રધાન રાજેશ ટોપે

જોકે શોપિંગ મોલ્સ માટે એવી શરત રખાઈ છે કે મોલ્સમાં કોરોના-પ્રતિરોધક રસીના બંને ડોઝ લીધા હોય એવા જ ગ્રાહકોને પ્રવેશ આપવો. એવી જ રીતે, લગ્ન માટે ખુલ્લા સ્થળે 200 જણને તેમજ બંધ હોલમાં 100 જણની ઉપસ્થિતિની પરવાનગી અપાઈ છે.