રેલવે બજેટ-2022માં મુંબઈને શું મળ્યું?

મુંબઈઃ કેન્દ્રીય નાણાં પ્રધાન નિર્મલા સીતારામને ગઈ 1 ફેબ્રુઆરીએ સંસદમાં રજૂ કરી દીધેલા નાણાકીય વર્ષ 2022-23 માટેના કેન્દ્રીય બજેટમાં રેલવે બજેટનો પણ સમાવેશ થાય છે. રેલવે યોજનાઓને લગતા પ્રસ્તાવોમાં મુંબઈ શહેરને પણ કેટલીક ફાળવણી કરવામાં આવી છે. જે નીચે મુજબ છેઃ

  • પશ્ચિમ રેલવે વિભાગના બાન્દ્રા રેલવે સ્ટેશનને નવું સાંસ્કૃતિક કેન્દ્ર બનાવાશે. યુનાઈટેડ નેશન્સ એજ્યૂકેશન, સાયન્ટિફીક એન્ડ કલ્ચરલ ઓર્ગેનાઈઝેશન (યુનેસ્કો) સંસ્થાના આગ્રહને પગલે બાન્દ્રા હેરિટેજ સ્ટેશનને તેના મૂળ સ્વરૂપમાં પ્રસ્થાપિત કરાશે.
  • બાન્દ્રા ટર્મિનસ સ્ટેશનને રૂ. 10 કરોડના ખર્ચે અપગ્રેડ કરાશે
  • લોઅર પરેલ ખાતેની રેલવે વર્કશોપનું રૂ. 2.4 કરોડના ખર્ચે વિસ્તરણ કરાશે.
  • મુંબઈ સેન્ટ્રલ ખાતેના કાર શેડ (યાર્ડ)ને રૂ. 1.20 કરોડના ખર્ચે અપગ્રેડ કરાશે.
  • પશ્ચિમ રેલવેના મુંબઈ ઉપનગરીય વિભાગ પર પ્રવાસી સુવિધાઓ વધારવા માટે રૂ. 44 કરોડની ફાળવણી કરાઈ છે.
  • વિરાર સ્ટેશનના 8 નંબરના પ્લેટફોર્મ પર ફૂટઓવર બ્રિજ બાંધવામાં આવશે.
  • કાંદિવલી, સાંતાક્રુઝ, અંધેરી, ગોરેગાંવ, મલાડ, નાયગાંવ, નાલાસોપારા અને વસઈ સ્ટેશનો પર જૂના ફૂટઓવર બ્રિજની જગ્યાએ નવો બ્રિજ બંધાશે.
  • ગ્રાન્ટ રોડ, મહાલક્ષ્મી, માહિમ, વિલે પારલે, જોગેશ્વરી, બોરીવલી, દહિસર અને વસઈ રોડ સ્ટેશનો પર એસ્કેલેટર વગરના ફૂટઓવર બ્રિજ બાંધવામાં આવશે.
  • અંધેરી, બાન્દ્રા, ખાર રોડ, મલાડ સ્ટેશનો પર ફૂટઓવર બ્રિજ ફરી બાંધવામાં આવશે.
  • મુંબઈ સેન્ટ્રલ સ્ટેશન પર લિફ્ટની સુવિધા અપાશે.
  • મુંબઈ ઉપનગરીય વિભાગ પર સલામતી કામકાજો માટે રૂ. અઢી કરોડની ફાળવણી કરાઈ છે. ચર્ની રોડ અને ગ્રાન્ડ રોડ સ્ટેશનો વચ્ચે તેમજ મુંબઈ સેન્ટ્રલ અને પ્રભાદેવી સ્ટેશનો વચ્ચે રોડ ઓવરબ્રિજ બાંધવામાં આવશે.
  • વૈતરણા અને વિરાર વચ્ચે ફાટકની જગ્યાએ ચાર-લેનવાળો રોડ ઓવરબ્રિજ બાંધવામાં આવશે.
  • દરેક સ્ટેશનો નજીક બાઉન્ડરી દીવાલો બાંધવા માટે રૂ. 58 કરોડની ફાળવણી.
  • મધ્ય રેલવે વિભાગ પર ટીટવાલા-મુરબાડ વચ્ચે 22 કિ.મી. લાંબી નવી રેલવે લાઈન નાખવામાં આવશે.
  • મધ્ય રેલવે વિભાગ પર કસારા-ઈગતપુરી વચ્ચે 16 કિ.મી.ની ચોથી લાઈન નાખવામાં આવશે.