મુંબઈઃ મહારાષ્ટ્રના બીડ જિલ્લાના રાજેગાંવના વતની, મરાઠા અનામત મુદ્દે ચલાવાતા આંદોલનમાં આગળ પડતો ભાગ ભજવનાર, શિવસંગ્રામ પક્ષના પ્રમુખ અને મહારાષ્ટ્ર વિધાનપરિષદના સભ્ય વિનાયક મેટેનું રવિવારે વહેલી સવારે 5.50 વાગ્યે મુંબઈ-પુણે એક્સપ્રેસવે પર કાર અકસ્માતમાં ઘટનાસ્થળે નિધન થતાં મહારાષ્ટ્રના રાજકારણમાં ખળભળાટ મચી ગયો છે. 52 વર્ષના મેટેના પાર્થિવ શરીરને નવી મુંબઈની એમજીએમ હોસ્પિટલમાંથી રાજેગાંવસ્થિત એમના નિવાસસ્થાને લઈ જવામાં આવશે. રાજેગાંવમાં આવતીકાલે એમના અંતિમસંસ્કાર કરવામાં આવશે.
મેટેના નિધન અંગે શિવસેના પક્ષ, મરાઠા ક્રાંતિ મોરચા તથા બીજા નેતાઓએ શંકા વ્યક્ત કરી છે. એમણે સવાલ ઉઠાવ્યો છે કે મેટેનું નિધન અકસ્માતને કારણે થયું કે કોઈ દુર્ઘટનાને કારણે? આ પ્રકરણમાં તપાસ કરાવવાનું રાજ્યના મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ વચન આપ્યુું છે. મેટેના નિધન અંગે મહારાષ્ટ્રના તમામ ટોચના નેતાઓએ આઘાત વ્યક્ત કર્યો છે.