ફડણવીસને ગૃહ+નાણાંખાતું; શિંદેએ શહેરીવિકાસ પોતાની પાસે રાખ્યું

મુંબઈઃ મહારાષ્ટ્રમાં મુખ્ય પ્રધાન એકનાથ શિંદે અને એમના ડેપ્યુટી દેવેન્દ્ર ફડણવીસની સરકારે એમના પ્રધાનમંડળના સભ્યોને ખાતાની આજે ફાળવણી કરી છે.

શિંદેએ સામાન્ય વહીવટીતંત્ર, શહેરી વિકાસ, માહિતી ટેક્નોલોજી, ટ્રાન્સપોર્ટ, સામાજિક ન્યાય, રાહત-પૂરવઠો, ડિઝાસ્ટર મેનેજમેન્ટ, પર્યાવરણ સહિતના મંત્રાલયો પોતાની પાસે રાખ્યા છે.

ભાજપના ફડણવીસને ગૃહ, નાણાં અને આયોજન, કાયદો અને ન્યાયંત્ર, જળસાધન, હાઉસિંગ, ઊર્જા પ્રધાન બનાવ્યા છે. ભાજપના જ સુધીર મુનગંટીવારને જંગલ, સાંસ્કૃતિક બાબતોનું ખાતું આપવામાં આવ્યું છે, તો ચંદ્રકાંત પાટીલને ઉચ્ચ તથા ટેક્નિકલ શિક્ષણ, કાપડ મંત્રાલયો આપ્યા છે. વિજયકુમાર ગાવિતને આદિવાસી વિકાસ, ગિરીશ મહાજનને ગ્રામિણ વિકાસ અને પંચાયતી રાજ, મેડિકલ શિક્ષણ, સ્પોર્ટ્સ ખાતાં ફાળવવામાં આવ્યા છે. શિંદે જૂથના ગુલાબરાવ પાટીલ નવા વોટર સપ્લાય પ્રધાન છે. દાદા ભુસે નવા પોર્ટ્સ અને માઈનિંગ પ્રધાન છે.