મુંબઈઃ તમે છેલ્લે કઠપૂતળીનો ખેલ (પપેટ શો) ક્યારે જોયો હતો, યાદ છે? આજના બાળકોએ તો ભાગ્યે જ જોયો હશે, એ પણ બહુ ઓછાંએ. શું કરીએ? હવે કઠપૂતળીના ખેલ થાય છે પણ ક્યાં અને કેટલાં? આ ખેલ કરનારા અને બતાવનારા પણ રહ્યા છે કેટલાં? સવાલો ઘણાં છે, જવાબો જૂજ છે. કળા, સંગીત અને સાહિત્યના પ્રચાર-પ્રસાર માટે સતત કાર્યરત કાંદિવલીની સંસ્થા ‘સંવિત્તિ’એ આ ખેલને અને તેના માસ્ટર કહી શકાય એવી હસ્તીને રજૂ કરવા કાંદિવલીમાં શનિવાર તા. ૨૭મેના રોજ એક રસપ્રદ કાર્યક્રમનું આયોજન કર્યુ છે. મુંબઈમાં આવા અનોખા કાર્યક્રમ ભાગ્યે જ યોજાતા હોય છે.
આ કાર્યક્રમની પ્રસ્તુતિ માટે કઠપૂતળી નિષ્ણાત અને જેમણે પૂતળી-કળામાં પીએચડી કર્યું છે અને જીવન પણ સમર્પિત કર્યું છે એવા શિક્ષક અને જ્ઞાનપિપાસુ ડો. પ્રણવ જે. વ્યાસ અમરેલીથી કાંદિવલી આવી રહ્યા છે. શિક્ષણ અને કળા સાથે વરસોથી સંકળાયેલા ડો. પ્રણવ વ્યાસ શનિવારની સાંજે કાંદિવલીમાં પોતાની પ્રસ્તુતિમાં કઠપૂતળી કળાની ઉત્પત્તિથી આજ સુધીની વિકાસરેખા, વિશ્વની કઠપૂતળીકળા અને ‘ભારતીય કઠપૂતળીકળા – એક તુલના’, ‘પૂતળીકળાની સફરઃ મનોરંજનથી લઈને લોક શિક્ષણ સુધી’, ‘પૂતળી-કળા અને પૂતળી કલાકારોની વર્તમાન સ્થિતિ’, ‘આધુનિક પૂતળી કળામાં વિશ્વકક્ષાએ ભારતનું સ્થાન અને યોગદાન’, ‘બાળકોના વિકાસમાં એક કલા સ્વરૂપ તરીકે પૂતળી કલાનું યોગદાન’, પૂતળી નાટકને પોતાની રસપ્રદ શૈલીમાં આવરી લેશે.
ડો. પ્રણવ વ્યાસે ‘પૂતળીનો પરમાટ’ (પૂતળીના માધ્યમથી ગુજરાતી લોકકથા પ્રસ્તુતિકરણ), ‘પૂતળીકલાનું આદિ-અનાદિ’, ‘ટેરવાં નાચે છે’ (ભારતીય પૂતળીકલાઃ એક વિહંગાવલોકન) અને ‘પૂતળીકલાવિધાન’ નામના પુસ્તકો પણ લખ્યા છે. તેમને આ વિષયમાં અનેક રજૂઆતો-પ્રસ્તુતિ કરવાનો અવસર વિવિધ માધ્યમો દ્વારા મળતો રહ્યો છે અને તેમને આ નિમિત્તે અનેક સન્માન પણ પ્રાપ્ત થયા છે.
ડો. વ્યાસ વાર્તાલાપ કરશે એટલું જ નહીં, બલકે વચ્ચે-વચ્ચે કઠપૂતળીના ખેલની પ્રસ્તુતિ પણ કરશે. બાળકોથી માંડી દરેક વયના લોકોને રસ પડે એવા આ કાર્યક્રમમાં શ્રોતા તરીકે હાજર રહેવાનું જાહેર આમંત્રણ છે. બેઠક વ્યવસ્થા ‘વહેલો તે પહેલો’ ધોરણે રહેશે. આ કાર્યક્રમ માટે કોઈ ફી નથી.
કાર્યક્રમનું સ્થળઃ કે.ઈ.એસ. ઈન્ટરનેશનલ સ્કુલ, ઈરાની વાડી-નંબર-૪, ગ્રાઉન્ડ ફ્લોર, કાંદિવલી-વેસ્ટ.
સમયઃ સાંજે પાંચથી સાત.