12મા ધોરણના પરિણામમાં 99.80 ટકા સાથે KES કોલેજ અવ્વલ રહી

મુંબઈઃ આ વર્ષે માર્ચ- એપ્રિલ મહિનામાં લેવામાં આવેલી કોમર્સ, આર્ટ્સ અને સાયન્સની મહારાષ્ટ્ર એચએસસી બોર્ડની પરીક્ષાનું રિઝલ્ટ ગુરુવારે જાહેર કરવામાં આવ્યું હતું, જેમાં મુંબઈની ધ કાંદિવલી એજ્યુકેશન સોસાયટી- KES કોલેજ પાસ થયેલા સ્ટુડન્ટ્સની ટકાવારીમાં બીજી કોલેજોની સરખામણીમાં બાજી મારી ગઈ છે. અહીંના પરીક્ષામાં બેસનારા 1486 વિદ્યાર્થીઓમાંથી 1483 સ્ટુડન્ટ્સ પાસ થયા છે. એટલે કે માત્ર ત્રણને બાદ કરતાં 99.80 ટકાવારી સાથે કોલેજ અવ્વલ નંબર પર રહી છે. ગત વર્ષ અને આ વર્ષની ટકાવારીની સરખામણીમાં ઝાઝો ફરક નથી.

આ બાબતે ટીચર્સને સંપૂર્ણ શ્રેય આપતાં KES કોલેજનાં પ્રિન્સિપલ શ્રીમતી લીલી ભૂષણ કહે છે કે આ રિઝલ્ટ માટે સો નહીં, બસો ટકા ટીચર્સનું યોગદાન છે. પોતાનાં સંતાનોને ભણાવતા હોય એટલા ડેડિકેશન સાથે ટીચર્સ વિદ્યાર્થીઓને ભણાવે છે. પોતાના ક્લાસનું એક પણ બાળક ફેઇલ ન થાય એવા દ્રઢ નિશ્ચય સાથે તેઓ સમર્પિત છે. પ્રત્યેક બાળકને ભણાવવા માટેની સ્ટ્રેટેજી અલગ-અલગ હોય છે. સ્લો લર્નર સ્ટુડન્ટ પર વિશેષ પ્રકારે ધ્યાન અપાય છે. ભણવામાં નબળાં બાળકોને એક્સ્ટ્રા કોચિંગ આપવામાં આવે છે. અને તેમની એકાદ-બે નહીં, પણ ઓછામાં ઓછી પાંચથી છ પ્રિલિમ્સ લેવામાં આવે છે.

KES કોલેજમાં 80 ટકા વિદ્યાર્થી ગુજરાતી છે. જોકે સ્ટુડન્ટ કોઈ પણ હોય. સ્ટુડન્ટ કોલેજ ન આવતો હોય તો તેના પેરેન્ટ્સને ફોન કરીને એ વિશેની તપાસ થાય છે. કાંદિવલી વેસ્ટમાં રહેતી રિદ્ધિ અશોક જૈનને તેની કોલેજના ટીચર્સની ટીચિંગ મેથડ ખૂબ જ ગમે છે. તે કહે છે કે અહીંની તમામ ફેકલ્ટી કો-ઓપરેટિવ છે. કોઈ પણ ડાઉટ સોલ્વ કરવા માટે તેઓ ઓલવેઝ અવેઇલેબલ રહે છે. અહીં દરેક સબજેક્ટમાં તમને ખૂબ પ્રેક્ટિસ આપવામાં આવે છે. ટીચર્સની મહેનત, કમિટમેન્ટ અને ડિવોશનને લીધે અમને પણ ખૂબ પ્રોત્સાહન મળે છે.