મધ્ય રેલવેની એસી લોકલ ટ્રેનોમાં પ્રવાસીઓની સંખ્યામાં 200%ની વૃદ્ધિ

મુંબઈઃ અત્રેના મધ્ય રેલવે વિભાગની એસી લોકલ ટ્રેનોમાં ગયા વર્ષની સરખામણીએ આ વર્ષના મે મહિનામાં પ્રવાસીઓની સંખ્યામાં 200% વૃદ્ધિ નોંધાઈ છે. આ જ મધ્ય રેલવેના અધિકારીઓ અગાઉ લોકલ નેટવર્ક પર એરકન્ડિશન્ડ ટ્રેનો શરૂ કરવાના પક્ષમાં નહોતા. પરંતુ હવે પ્રવાસીઓની સંખ્યામાં આવેલા ધરખમ ઉછાળાએ એમને આશ્ચર્યમાં ગરકાવ કરી દીધા છે.

આ વર્ષે 1 જાન્યુઆરીથી લઈને 24 મે સુધીમાં કુલ 71 લાખ 33 હજારથી વધારે પ્રવાસીઓએ મધ્ય રેલવે વિભાગમાં એસી લોકલ ટ્રેનોમાં પ્રવાસ કરવાનું પસંદ કર્યું હતું. આને કારણે મધ્ય રેલવેને રૂ. 32 કરોડ 22 લાખથી વધુની કમાણી થઈ છે. એકલા મે મહિનામાં જ (1 મેથી લઈને 24 મે સુધીમાં) એસી લોકલ ટ્રેનોમાં પ્રવાસ કરતા લોકોની દૈનિક સરેરાશ સંખ્યા વધીને 58,880 પર પહોંચી ગઈ છે.

ગયા વર્ષે મે મહિનામાં આશરે 6.17 લાખ લોકોએ એસી લોકલ ટ્રેનોમાં પ્રવાસ કર્યો હતો. જ્યારે આ વર્ષે આ જ મહિનામાં 14.13 લાખ લોકો પ્રવાસ કરી ચૂક્યા છે. આ આંકડો 228 ટકાની પ્રભાવશાળી વૃદ્ધિ દર્શાવે છે. ગયા વર્ષે મે મહિનામાં મધ્ય રેલવેને એસી લોકલ ટ્રેનોમાંથી રૂ. 2 કરોડ 83 લાખની કમાણી થઈ હતી. જ્યારે આ વર્ષના મે મહિનામાં 6 કરોડ 66 લાખ રૂપિયાની કમાણી થઈ છે, જે 234 ટકાનો વૃદ્ધિદર દર્શાવે છે.