વાંસળીવાદક હરિપ્રસાદ ચૌરસિયાના પુત્ર અજય (60)નું નિધન

મુંબઈઃ સુવિખ્યાત વાંસળીવાદક અને હાલ 84 વર્ષની વયના પંડિત હરિપ્રસાદ ચૌરસિયાના પુત્ર અજય ચૌરસિયા (60)નું દુબઈમાં ગયા સોમવારે હાર્ટ એટેકને કારણે નિધન થયું હતું. એમના પાર્થિવ શરીરને નવી મુંબઈના વાશી ઉપનગરસ્થિત એમના નિવાસસ્થાને આજે લાવવામાં આવ્યો હતો અને એના અંતિમસંસ્કાર કરવામાં આવ્યા હતા. એવું જાણવા મળ્યું છે કે અજય ચૌરસિયા દુબઈમાં પ્રવાસ દરમિયાન રસ્તામાં અધવચ્ચે જ મૂર્છિત થઈ ગયા હતા. એમના પરિવારની નિકટના સૂત્રોનો આક્ષેપ છે કે અજય ચૌરસિયાને તબીબી સહાયતા આપવામાં વિલંબ થવાથી એમનું નિધન થયું.

પંડિત હરિપ્રસાદ ચૌરસિયા

જાણીતા સંતૂરવાદક શિવકુમાર શર્માની સાથે મળીને પંડિત હરિપ્રસાદ ચૌરસિયાએ ચાંદની, ડર, લમ્હે, સિલસિલા, ફાસલે, વિજય, પરંપરા, સાહિબાન ફિલ્મોમાં સંગીત આપ્યું હતું. હરિપ્રસાદે બે લગ્ન કર્યા હતા. પ્રથમ પત્ની કમલાદેવીથી એમને બે પુત્ર થયા છે – વિનય અને અજય. જ્યારે બીજી પત્ની અનુરાધા રોયથી એમને એક પુત્ર થયો છે – રાજીવ.