મુંબઈઃ મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેએ આજે અહીં રાજ્ય વિધાન પરિષદના સભ્ય તરીકેના શપથ ગ્રહણ કર્યા હતા. આ સાથે જ તેઓ 28 મે પછી પણ મુખ્ય પ્રધાન પદે ચાલુ રહી શકશે.
59 વર્ષીય ઠાકરેને બિનહરીફ વિજેતા જાહેર કરવામાં આવ્યા છે. એમની સામે કોઈ પણ પાર્ટીએ પોતાનો ઉમેદવાર ઊભો રાખ્યો નહોતો.
ઉદ્ધવ ઠાકરે વિધાનસભા કે વિધાન પરિષદ, એમ વિધાનમંડળના બેઉમાંથી એકેય ગૃહના સભ્ય નહોતા એટલે બંધારણ અનુસાર એમણે મુખ્ય પ્રધાન પદ સંભાળ્યાના છ મહિનામાં એટલે કે 28 મે સુધીમાં બેમાંથી કોઈ પણ એક ગૃહના સભ્ય બનવાનું ફરજિયાત હતું.
ઠાકરેએ ગયા વર્ષની 28 નવેંબરે મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન તરીકેનો હોદ્દો સંભાળ્યો હતો.
ઠાકરેને રાજ્યના ગવર્નર ભગતસિંગ કોશિયારી એમના ક્વોટામાંથી વિધાન પરિષદની સીટ ફાળવે એવી રાજ્યના પ્રધાનમંડળે ગવર્નરને ભલામણ કરી હતી. પણ શરૂઆતમાં એ માન્યા નહોતા. બાદમાં ઉદ્ધવ અને વડા પ્રધાન નરેન્દ્ર મોદી વચ્ચે આ મુદ્દે ફોન પર વાતચીત થઈ હતી અને આખરે કોશિયારીએ ચૂંટણી યોજવાની ચૂંટણી પંચને ભલામણ કરી હતી. પરંતુ, ચૂંટણી પંચે કોરોના વાઈરસના ફેલાવાને કારણે ચૂંટણી યોજવાની ના પાડી દીધી હતી.
આખરે, ચૂંટણી યોજાઈ નહીં અને વિધાન પરિષદની તમામ 9 બેઠકો માટેના ઉમેદવારોને પણ બિનહરીફ વિજેતા જાહેર કરી દેવામાં આવ્યા છે. ઉદ્ધવની સાથે અન્ય 8 ઉમેદવારોએ પણ આજે વિધાન પરિષદના સભ્ય તરીકે શપથ લીધા હતા.
આ શપથવિધિ સમારોહ તદ્દન સાદાઈપૂર્વક પાર પાડવામાં આવ્યો હતો.
શપથવિધિ સમારોહમાં રાજ્યના નાયબ મુખ્ય પ્રધાન અજિત પવાર, સાથી પ્રધાનો – જયંત પાટીલ, બાળાસાહેબ થોરાત તથા અન્ય અમુક ખાસ નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા.
મહારાષ્ટ્રમાં શિવસેના, રાષ્ટ્રવાદી કોંગ્રેસ અને કોંગ્રેસના બનેલા મહાવિકાસ આઘાડી (ગઠબંધન)ની સંયુક્ત સરકાર છે. ઉદ્ધવ ઠાકરે બિનહરીફ MLC બની જતાં સરકારે રાહતનો શ્વાસ લીધો છે.
ઉદ્ધવ ઠાકરે વિધાનભવનમાં શપથ ગ્રહણ કર્યા બાદ રાજભવન ખાતે જઈને રાજ્યપાલ કોશિયારીને મળ્યા હતા.
આજે શપથ લેનાર 9 સભ્યો આ મુજબ હતાઃ
શિવસેનાઃ ઉદ્ધવ ઠાકરે અને નિલમ ગોર્હે
ભાજપઃ ગોપીચંદ પડળકર, પ્રવીણ દટકે, રણજીતસિંહ મોહિતે-પાટીલ, રમેશ કરાડ
રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીઃ શશિકાંત શિંદે અને અમોલ મિટકરી
કોંગ્રેસઃ રાજેશ રાઠોડ
ઉદ્ધવ ઠાકરેએ એમના ઉમેદવારીપત્રમાં પોતાની અને પરિવારની કુલ સંપત્તિ રૂ. 143.26 કરોડની હોવાનું જાહેર કર્યું હતું.