મુંબઈમાં કરૂણાંતિકાઃ દરિયામાં નાહવા પડેલા બે કિશોર ડૂબી ગયા

મુંબઈઃ લોકડાઉન હોવા છતાં અહીંના મલાડ (વેસ્ટ) ઉપનગરમાં આવેલા માર્વે બીચ પર ગઈ કાલે નાહવા ગયેલા બે કિશોર ડૂબી ગયાની દુર્ઘટના સર્જાઈ છે. બંને છોકરા સગીર વયના હતા. એકનો મૃતદેહ આજે મળ્યો છે જ્યારે બીજાની શોધ ચાલુ છે.

ફાયર બ્રિગેડ અને પોલીસના જણાવ્યા મુજબ, મલાડ (વેસ્ટ)ના માલવણી વિસ્તારના આઝમી નગર મોહલ્લાના રહેવાસી છ છોકરા રવિવારે સાંજે લગભગ 5.30 વાગ્યે ચાલતા ચાલતા માર્વે બીચ ગયા હતા. ત્યાં જઈને તેઓ નાહવા માટે દરિયામાં પડ્યા હતા.

એમાંના બે છોકરા દરિયામાં દૂર સુધી ગયા હતા, પણ પાણીના મોજાં એમને તાણી ગયા હતા.

અન્ય ચાર છોકરાએ ત્યારબાદ બૂમાબૂમ કરી હતી અને અમુક સ્થાનિક લોકો દોડતા આવ્યા હતા. ત્યારબાદ દુર્ઘટના વિશે પોલીસને જાણ કરવામાં આવી હતી.

પોલીસો તરત જ ત્યાં પહોંચી ગયા હતા. ડૂબકીમાર સહિતની બચાવ ટૂકડીએ ત્યારબાદ રાતે લગભગ 8 વાગ્યે 13 વર્ષના એક છોકરાનો મૃતદેહ પાણીમાંથી બહાર કાઢ્યો હતો.

16 વર્ષની વયના અન્ય છોકરાનો મૃતદેહ આજે સવારે મળ્યો હતો. અંધારાને કારણે બચાવ કામગીરી ગઈ કાલે રાતે સ્થગિત કરી દેવી પડી હતી.