મુંબઈઃ શહેરના જે નાગરિકોએ કોરોનાવાઈરસ પ્રતિરોધક રસીના બંને ડોઝ લઈ લીધા હશે તેઓ જ 15 ઓગસ્ટથી મુંબઈમાં લોકલ ટ્રેનોમાં પ્રવાસ કરી શકશે. આમાં બીજી શરત એ છે કે વ્યક્તિએ રસીનો બીજો ડોઝ લીધો હોય એના 14-દિવસ પછી જ તે લોકલ ટ્રેનમાં પ્રવાસ કરી શકશે. જેમણે રસીના બંને ડોઝ લઈ લીધા હોય એવા નાગરિકોને લોકલ ટ્રેનોમાં પ્રવાસ કરવા દો એવી ટકોર સાથે મુંબઈ હાઈકોર્ટે કરેલા હસ્તક્ષેપ બાદ મહારાષ્ટ્ર સરકારે એ માટે શરતી પરવાનગી આપી છે.
શું છે આ વિશેષ રેલવે પાસ?
રસીના બંને ડોઝ લીધા હોય એવા લોકોએ લોકલ ટ્રેનોમાં પ્રવાસ કરવા માટે વિશેષ રેલવે પાસ મેળવવો જરૂરી રહેશે. જોકે જેમની પાસે સ્માર્ટફોન ન હોય તેઓ ઓફ્ફલાઈન પણ વિશેષ રેલવે પાસ મેળવી શકશે. તેઓ સ્થાનિક મહાપાલિકા વોર્ડ ઓફિસમાંથી તેમજ રેલવે સ્ટેશનો પરથી પાસ મેળવી શકશે.
આ વિશેષ પાસ કે યૂનિવર્સલ ટ્રાવેલ પાસમાં એક QR કોડ હશે જેના દ્વારા રેલવે વહીવટીતંત્ર પાસની વિશ્વસનીયતાની ચકાસણી કરશે. આ પાસ હશે તો નાગરિકને મુંબઈ તેમજ આસપાસના વિસ્તારોની લોકલ ટ્રેનો, મેટ્રો ટ્રેનો તથા મોનોરેલ ટ્રેનોમાં પ્રવાસ કરવા મળશે. મુખ્ય પ્રધાન ઠાકરેએ મુંબઈના લોકોને અપીલ કરી છે કે તેઓ ગેરકાયદેસર રીતે આ વિશેષ પાસ મેળવે નહીં.
સરકારે ઘડેલી ગાઈડલાઈન્સને આધારિત નિયંત્રિત સમયઅવધિ દરમિયાન જ લોકોને પ્રવાસ કરવા મળશે. દાખલા તરીકે, મુંબઈને અનલોક પ્રક્રિયા અંતર્ગત ‘લેવલ-3’માં સામેલ કરવામાં આવ્યું છે. તેથી ‘ડિગ્રી-3’ પાસ ધરાવનાર માત્ર 1,2 અને 3 લેવલ વિસ્તારોમાં જ પ્રવાસ કરી શકશે. ધારો કે કોઈની પાસે ડિગ્રી-2 પાસ હશે તો તે માત્ર 1 અને 2 લેવલવાળા વિસ્તારોમાં જ પ્રવાસ કરી શકશે. ડિગ્રી-5 પાસ ધરાવનાર વ્યક્તિ કોઈ પણ વિસ્તારની લોકલ ટ્રેનોમાં પ્રવાસ કરી શકશે.
આ પાસ મેળવવા માટે મહારાષ્ટ્રના ડિઝાસ્ટર મેનેજમેન્ટ, રિલીફ એન્ડ રીહેબિલિટેશન વિભાગની વેબસાઈટ પર જવુઃ https://msdmacov19.mahait.org/.
આ વેબસાઈટના વેબપેજ ઉપર ડાબી બાજુની કોર્નર પર યૂનિવર્સલ ટ્રાવેલ પાસ બટન પર ક્લિક કરવું. પાસ કાઢવાની પ્રક્રિયાનું નીચે દર્શાવ્યા મુજબ અનુસરણ કરી શકાય.