મુંબઈઃ સુપ્રીમ કોર્ટના આદેશ હેઠળ વચગાળાના જામીન પર છૂટેલા રિપબ્લિક ટીવીના વડા તંત્રી અર્ણબ ગોસ્વામીએ આજે સનસનાટીભરી જાહેરાત કરતા કહ્યું કે રિપબ્લિક મિડિયા કંપની એક વર્ષમાં પ્રાદેશિક ચેનલો શરૂ કરશે.
તળોજા જેલમાંથી મુક્ત કરાયા બાદ રિપબ્લિક ટીવી ન્યૂઝરૂમમાં સહયોગીઓ સમક્ષ કરેલા સંબોધનમાં ગોસ્વામીએ કહ્યું કે પોતે ટૂંક સમયમાં જ એક આંતરરાષ્ટ્રીય મિડિયા પ્રોજેક્ટ શરૂ કરશે. અને આગામી મહિનાઓમાં દેશની દરેક ભાષાઓમાં રિપબ્લિક ચેનલો શરૂ કરવામાં આવશે.
ગોસ્વામીએ કહ્યું કે, ‘આગામી 11-12 મહિનાઓમાં આપણે દેશના દરેક રાજ્યમાં રિપબ્લિક નેટવર્ક શરૂ કરીશું.’ ગોસ્વામીએ રિપબ્લિક ટીવી સામે કિન્નાખોરી રાખવા સામે મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેને ચેતવણી આપતા કહ્યું કે, જો તમે મને જેલમાં પૂરશો તો હું ત્યાંથી પણ ચેનલ શરૂ કરીશ. તમે કંઈ પણ કરી નહીં શકો. હું એકલો નથી, આખો દેશ મારી સાથે છે. જો હું આવતા 16 મહિનામાં ગ્લોબલ મિડિયા નેટવર્ક શરૂ નહીં કરી શકું તો મારું નામ બદલી નાખીશ.