મુંબઈઃ કોરોનાસંકટમાં હોસ્પિટલોમાં આગ લાગવાની ઘટનાઓનો સિલસિલો ચાલુ રહ્યો છે. આવી એક વધુ કરૂણ ઘટના પડોશના થાણે જિલ્લાના મુંબ્રા ઉપનગરમાં બની છે. ત્યાં આવેલી પ્રાઈમ ક્રિટીકેર નામની એક ખાનગી હોસ્પિટલમાં આજે વહેલી સવારે લગભગ 3.40 વાગ્યે આગ લાગતાં ચાર દર્દીનાં મરણ નિપજ્યા છે. થાણે મહાનગરપાલિકાના રીજનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ વિભાગના અધિકારી સંતોષ કદમના જણાવ્યા મુજબ, હોસ્પિટલમાંથી 20 દર્દીઓ બચાવી લેવામાં આવ્યા છે જેમાં છ જણ આઈસીયૂમાં હતા. એ તમામને અન્ય હોસ્પિટલોમાં શિફ્ટ કરવામાં આવ્યા છે. અધિકારીઓએ બચાવ કામગીરી શરૂ કરી કરી એ પહેલાં જ સ્થાનિક લોકો હોસ્પિટલ ખાતે દોડી ગયા હતા. શોર્ટસર્કિટને કારણે આગ લાગી હોવાનો પ્રાથમિક અંદાજ છે.
આ હોસ્પિટલ મુંબ્રામાં જૂના મુંબઈ-પુણે રોડ પર આવેલા શિમલા પાર્ક મોહલ્લાના હસન ટાવરના પહેલા માળ પર આવેલી છે. મહારાષ્ટ્ર સરકારે પ્રત્યેક મૃતકના પરિવારને રૂ. પાંચ-પાંચ લાખના વળતરની જાહેરાત કરી છે. આ ઉપરાંત પ્રત્યેક ગંભીર રીતે ઈજા પામેલાને રૂ. 1 લાખનું વળતર અપાશે. હજી થોડા જ દિવસ પહેલાં મહારાષ્ટ્રના નાશિકમાં મહાપાલિકા સંચાલિત હોસ્પિટલમાં ઓક્સિજન ટેન્કરમાંથી વાયુ લીક થતાં સપ્લાય બંધ થવાને કારણે 29 દર્દીના મરણ નિપજ્યા હતા અને ત્યારબાદ વિરાર શહેરની એક હોસ્પિટલમાં પણ આગની દુર્ઘટના બની હતી.
