અશ્લીલ પોસ્ટ માટે વોટ્સએપ-ગ્રુપનો એડમિન જવાબદાર નહીં: હાઈકોર્ટ

નાગપુરઃ બોમ્બે હાઇકોર્ટની નાગપુર ખંડપીઠે વોટ્સએપ ગ્રુપ્સના એડમિન્સને મોટી રાહત આપતાં કહ્યું છે કે વોટ્સએપ ગ્રુપના કોઈ સભ્ય દ્વારા પોસ્ટ કરવામાં આવેલા અશ્લીલ કન્ટેન્ટ માટે એડમિન જવાબદાર નહીં હોય. ગ્રુપ એડમિન પર ખોટી અથવા વાંધાજનક પોસ્ટ માટે ગુનાઇત કાર્યવાહી નહીં કરી શકાય. એની સાથે કોર્ટે 33 વર્ષીય યુવકની સામે કેસ રદ કરી દીધો છે.

કોર્ટનો આ આદેશ ગયા મહિને આવ્યો હતો, પણ એની કોપી 22 એપ્રિલે ઉપલબ્ધ થઈ હતી. જસ્ટિસ ઝેડ. એ. હક અને જસ્ટિસ એબી બોરકરની ખંડપીઠે ચુકાદામાં કહ્યું હતું કે વોટ્સએપના એડમિન પાસે માત્ર ગ્રુપના સભ્યોને જોડવા અથવા હટાવવાનો અધિકાર હોય છે અને ગ્રુપમાં મૂકવામાં આવેલી કોઈ પોસ્ટ અથવા નિયંત્રિત કરવા માટે અથવા એને રોકવાની ક્ષમતા નથી હોતી.

કિશોર તરોણેની અરજી પર ચુકાદો

કોર્ટે એક વોટ્સએપ ગ્રુપના એડમિન કિશોર તરોણેની અરજી પર આ ચુકાદો આપ્યો હતો. તરોણેએ ગોંદિયા જિલ્લામાં પોતાની સામે 2016માં કલમ 354-એ (1) (4) (અશ્લીલ ટિપ્પણી), 509 (મહિલાનો ગરિમા ભંગ કરવા) અને 107 (ભડકાવવા) અને  ઇન્ફોર્મેશન ટેક્નોલોજીની કલમ 67 હેઠળ નોંધાયેલા કેસને કાઢી મૂકવા વિનંતી કરી હતી.

કિશોર તરોણે પર આરોપ હતો કે તે વોટ્સ ગ્રુપના એ મેમ્બરની સામે પગલાં લેવામાં નિષ્ફળ રહ્યો હતો, જેમાં ગ્રુપમાં મહિલા સભ્યની સામે અશ્લીલ અને અમર્યાદિત ટિપ્પણી કરવામાં આવી હતી. તરોણે પર એ પણ આરોપ લગાડવામાં આવ્યો હતો કે તેણે સંબંધિત સભ્યને ગ્રુપમાંથી હટાવ્યો નહી અને ના તો તેણે માફી માગવા કહ્યું. બધી દલીલો સાંભળ્યા પછી કોર્ટે તરોણેના પક્ષમાં ચુકાદો સંભળાવ્યો હતો અને નોંધાયેલી FIR કાઢી નાખ્યો હતો.

 

 

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]