મુંબઈઃ છેલ્લા અમુક મહિનાઓથી મુંબઈમાં આતંકવાદી હુમલા કરવાની અનેક ધમકીઓ મળી છે. અગાઉ મુંબઈ પોલીસના કન્ટ્રોલ ટાવર પર નનામો ફોન આવ્યો હતો જેમાં ધમકી અપાઈ હતી કે મુંબઈ પર હુમલો કરાશે. હવે સીધા તાલીબાન સાથે સંકળાયેલા હોવાનો દાવો કરતો એક ધમકીભર્યો ઈમેલ રાષ્ટ્રીય તપાસ એજન્સી (NIA)ને મળ્યો છે.
આને કારણે મુંબઈમાં તમામ મહત્ત્વના સ્થળોએ સુરક્ષા બંદોબસ્ત વધારી દેવામાં આવ્યો છે અને તમામ યંત્રણાઓને સતર્ક રહેવાની સૂચના આપવામાં આવી છે.
આ ધમકીભર્યો ઈમેલ એનઆઈએના આઈડી પર આવ્યો છે. એમાં ધમકી અપાઈ છે કે ભારતમાં મુંબઈ ઉપરાંત બીજા અનેક શહેરોમાં આતંકવાદી હુમલા કરાશે. ઈમેલ કરનારાએ પોતે તાલીબાની હોવાનું અને તાલીબાનના ટોચના નેતા સિરાજુદ્દીન હક્કાનીના આદેશોને પગલે આ હુમલા કરવાની ધમકી આપી હોવાનો દાવો કર્યો છે.
એનઆઈએના અધિકારીઓએ આની જાણ મુંબઈ પોલીસને કરી દીધી છે. મુંબઈમાં મુખ્ય ધાર્મિક સ્થળો, ફાઈવસ્ટાર હોટેલો, મહત્ત્વની સરકારી અને બિન-સરકારી ઈમારતો-સ્થળો ખાતે સુરક્ષા વ્યવસ્થા વધારવામાં આવી છે. તાજમહલ પેલેસ હોટેલ, તાજ લેન્ડ્સ એન્ડ હોટેલ, સિદ્ધિવિનાયક મંદિર, બાબુલનાથ મંદિર, મુંબાદેવી મંદિર, હાજીઅલી દરગાહ, મુંબઈ શેરબજાર, મંત્રાલય, મુંબઈ હાઈકોર્ટ વગેરે ઈમારતો ખાતે સુરક્ષા વધારે કડક બનાવવામાં આવી છે. આ ઈમેલ ક્યાંથી આવ્યો તેની તપાસ ચાલુ છે.
સિરાજુદ્દીન હક્કાની તાલીબાનના સૌથી ખતરનાક જૂથ હક્કાની નેટવર્કનો વડો છે. અફઘાનિસ્તાનમાં તાલીબાને સત્તા હાંસલ કર્યા બાદ સિરાજુદ્દીન હક્કાનીને ગૃહ પ્રધાન બનાવવામાં આવ્યો છે. હક્કાની તાલીબાનમાં બીજા નંબરનો ટોચનો વડો છે.