સત્ય વ્યક્તિગત ન હોઈ શકે. બની શકે કે વ્યક્તિની એના માટેની સમજણ અલગ હોય. જેમ સૂર્યની આગળ વાદળ
આવે તો એ સૂર્યનું અસ્તિત્વ મિટાવી નથી શકતા એ જ રીતે સત્યની આડે ઉભા થયેલા આવરણો પણ સત્યને બદલી નથી શકતા. સતત અસત્યને જ સત્ય માનનાર વ્યક્તિને જયારે સત્ય સમજાવા લાગે છે ત્યારે તેનામાં આક્રમક બદલાવ આવે છે. અને અચાનક તેનું વ્યક્તિત્વ બદલાય છે. તે સતત સત્યને પામવા ઝંખે છે. આ પ્રક્રિયામાં તેનું વર્તન ક્યારેક અત્યંત સકારાત્મક તો ક્યારેક અત્યંત નકારાત્મક હોઈ શકે છે. યુગોથી માણસ સનાતન સત્યને પામવા મથી રહ્યો છે. અને આ પ્રક્રિયામાંથી જ વિજ્ઞાનના નિયમો ઉદભવ્યા છે.
મિત્રો, આ વિભાગ આપનો છે. આપને પણ કોઈ સવાલ કે સમસ્યા હોય તો આપ નીચે જણાવેલા ઈમેઈલ પર પૂછી શકો છો.
સવાલ: શરદ પૂનમ સાથે જોડાયેલા ઉર્જા સિદ્ધાંતો સમજાવવા વિનંતી.
જવાબ: શરદ પૂનમ વિષે આપણે ભૂતકાળમાં પણ ચર્ચા કરી છે. વરસમાં અમુક સમયે ચંદ્રની શ્રેષ્ઠ ઉર્જાનો આપણને લાભ મળે છે. શરદ પૂનમ એમાંનો એક દિવસ છે. આ દિવસે રાત્રીના પ્રથમ પ્રહરમાં ચંદ્રની શ્રેષ્ઠ ઉર્જા મળે છે. તેથી ચંદ્રોદય બાદ થોડા સમય સુધી ચંદ્રના પ્રકાશમાં રહેવું જોઈએ. સાકર, દૂધ જેવા દ્રવ્યો ચંદ્રની ઉર્જાની સકારાત્મકતાને પોતાનામાં સંગ્રહિત કરી શકે છે. તેથી તેને ચંદ્ર પ્રકાશમાં રાખીને પ્રસાદ તરીકે ગ્રહણ કરવામાં આવે છે. ક્ષીર એટલે દૂધ. એના પરથી ખીર શબ્દ આવ્યો. ચોખાની ખીર, પૌવાની ખીર એ એની સાથે જોડાયેલ દ્રવ્ય દર્શાવે છે. ચોખા અને દુધને અમુક તાપમાને ઉકાળવામાં આવે તો તે શક્તિ વર્ધક બને છે. વળી ચંદ્રની ઉર્જા સાથે તે રોગ પ્રતિકારક શક્તિ વધારે છે. આથી દૂધ પૌવા અથવા પૌવાની ખીર આ દિવસે ખાવાનો રીવાજ છે. રાત્રે 12 વાગ્યા પછી ચંદ્રના પ્રકાશમાં ન રહેવું જોઈએ.

સવાલ: એક તરફ બગડતી અર્થ વ્યવસ્થા. બીજી તરફ ઠેર ઠેર આંદોલનો અને યુદ્ધની સ્થિતિ અને ત્રીજી તરફ ગરબાના નામે બિભત્સતા જોવા મળે છે ત્યારે વિચાર આવે છે કે દુનિયા કઈ દિશા તરફ જઈ રહી છે? આપણી સંસ્કૃતિને કોરાણે મુકીને આવી અર્થ વ્યવસ્થામાં પણ ઉત્સવો મનાવતી પ્રજા પ્રત્યે ધ્રુણા ઉદ્ભવે છે. માતાજીના ગરબાના બદલે જાહેરમાં બીભત્સ નૃત્યો, જુગુત્સા પ્રેરક ગીતો અને સિસકારા મારતા ખેલૈયાઓ કઈ સંસ્કૃતિનું પ્રતિનિધિત્વ કરે છે એ સમજાતું નથી. શું આપણે આવા દ્રશ્યો દ્વારા વિશ્વ ને સમજાવીશું કે વિશ્વની શ્રેષ્ઠ સંસ્કૃતિ ભારતમાં હતી.
આખી રાત ચાલતી આવી પ્રવૃત્તિ દ્વારા જો દેશની આર્થિક સ્થિતિ સુધારતી હોય તો પણ આ તો ન જ ચલાવી લેવાય. એક તરફ સરકાર સતત પ્રયત્નશીલ છે કે દેશ માટે કશું કરે અને બીજી તરફ આવા નિમ્ન કક્ષાના લોકો છે જે સતત ગંદકી ફેલાવી રહ્યા છે. ધર્મ સાથે જોડાયેલી કોઈ પણ પ્રવૃત્તિ માટે કડક કાયદો બનાવવો જરૂરી છે. અને એ કાયદાના પાલનમાં કોઈ બાંધછોડ ન થાય એ પણ જરૂરી છે. શું આપણા દેશમાં આ શક્ય છે?

જવાબ: આપણે એ જ દેશની વાત કરીએ છીએ જ્યાં ધર્મ અને સંસ્કૃતિ માટે અનેક યુદ્ધ થયા છે. આપણી પ્રજા મનોરંજન પ્રિય અને દેખાડા પ્રિય બની રહી છે એ સાચે જ કરુણ સ્થિતિ છે. વળી આપણા દેશની વિસ્ફોટક વસ્તી, અનુશાશનનો અભાવ, ભ્રષ્ટાચાર, ઓછી લાયકાત વાળી વ્યક્તિને મદદ જેવી ઘણી બધી બાબતો આપણા દેશ માટે ઘાતક બની રહી છે. વળી નવી પેઢી દિશાહીન બની રહી છે. આઝદીની ચળવળમાં પણ યુવાનોનો સિંહ ફાળો હતો. પણ એમનું એક ધ્યેય હતું. યુવાનો જ ઈતિહાસ બદલી શકે છે. જો આ યુવાનોને દિશા નહિ આપવામાં આવે તો એ એક ટોળું બની જશે. અને ટોળાની કોઈ વિચારધારા નથી હોતી.
ગરબાના નામે વિવિધ ડાન્સ ક્લાસ ચાલતા હોય અને લોકો માત્ર આધુનિક દેખાવાની હોડમાં એને ગરબા સમજીને શીખતા હોય ત્યારે એનું પ્રદર્શન ગરબા તરીકે જ થવાનું છે. ભીગી ભીગી રાતોમે.., જુમ્મા ચુમ્મા દે દે …, પ્યાર દો પ્યાર લો માં ગરબાનો તાલ દેખાતો હોય તો પણ એને ગરબા ન જ કહેવાય. જો આવી સભાનતા હશે તો જ સમજમાં અનુશાશન સચવાઈ રહેશે. એક વાર પાણી માથા પરથી જતું રહે પછી કશું બચતું નથી.
જાહેરમાં બિભત્સ હરકતો થાય ત્યારે આસપાસના હજારો લોકો એનો વિરીધ નથી કરતા એ પણ અત્યંત કફોડી સ્થતિ છે. આ માનસિકતા પણ દેશની એકતા માટે યોગ્ય નથી. દેશપ્રેમ આવી જગ્યાએ પણ દેખાડી શકાય. જો સંસ્કૃતિ જેવું જ કશું નહિ રહે તો ગુફાના માનવ અને આપણી વચ્ચે કોઈ ભેદ ન રહે. જો કે આના માટે સરકારે તો કડક કાયદા લાવવા જ જોઈએ પણ સમાજે પણ સજાગતા દેખાડવી જરૂરી છે. લોકો આવી વાતનો વિરોધ કરશે તો તે આપોઆપ અટકી જશે.
સુચન: દારૂ એ સોમરસ નથી. સોમરસને સમજવા માટે સાચી માહિતી લેવી જરૂરી છે.
(આપના સવાલ મોકલી આપો Email : vastunirmaan@gmail.com )


