ગાયક સુરેશ વાડકરની પસંદગી ‘લતા મંગેશકર એવોર્ડ’ માટે

મુંબઈઃ મહારાષ્ટ્ર સરકારે આ વર્ષના તેના પ્રતિષ્ઠિત ‘ગાનસમ્રાજ્ઞી લતા મંગેશકર પુરસ્કાર’ માટે પ્રસિદ્ધ પાર્શ્વગાયક અને રાષ્ટ્રીય પુરસ્કાર પ્રાપ્ત સુરેશ વાડકરની પસંદગી કરી છે. 2018માં સંગીત નાટક અકાદમી તરફથી એવોર્ડ જીતનાર 68 વર્ષીય વાડકરને આ એવોર્ડ રૂપે રોકડ ઈનામી રકમ, પ્રશસ્તિપત્ર અને સ્મૃતિ ચિન્હ આપવામાં આવશે. એવોર્ડ કાર્યક્રમની તારીખ જાહેર થવાની હજી બાકી છે.

કોલ્હાપુરમાં એક સામાન્ય પરિવારમાં જન્મેલા સુરેશ વાડકર એમના યુવાની કાળમાં કુસ્તીબાજ હતા, પણ એમને ગાયકીનો પણ શોખ હતો. 1976માં એમણે એક ગાયન-સ્પર્ધામાં ભાગ લીધો હતો અને એમાં વિજયી ઘોષિત થયા હતા. તે પછી તેઓ મુંબઈ આવ્યા હતા અને સંગીત શિક્ષક બન્યા હતા. 1977માં એમને તે વખતના સંગીતકાર રવિન્દ્ર જૈને એમને હિન્દી ફિલ્મોમાં પાર્શ્વગાયક તરીકેનો બ્રેક આપ્યો હતો. ફિલ્મ હતી પહેલી અને ગીત હતું સોના કરે ઝીલમીલ ઝીલમીલ. તે પછી એમણે ગમન ફિલ્મમાં ગાયેલું ગીત સીને મેં જલન બહુ જ લોકપ્રિય થયું હતું. એ ગીતે લતા મંગેશકરનું ધ્યાન આકર્ષિત કર્યું હતું અને એમણે વાડેકર પાસે ગીત ગવડાવવાની ટોચના સંગીતકારોને ભલામણ કરી હતી. વાડકરે ત્યારબાદ ક્રોધી, હમ પાંચ, પ્યાસા સાવન, પ્રેમ રોગ, હીના, પ્રેમ ગ્રંથ, રામ તેરી ગંગા મૈલી, પરિંદા, સદમા જેવી અનેક હિન્દી ફિલ્મોમાં તેમજ મરાઠી ફિલ્મોમાં ગીતો માટે પોતાનો સ્વર આપ્યો હતો. એમના તમામ ગીતો લોકપ્રિય થયા છે.