2019ની ચૂંટણી ભાજપ-શિવસેના સાથે મળીને જ લડશેઃ ફડણવીસ

મુંબઈ – આવતા વર્ષે નિર્ધારિત લોકસભાની ચૂંટણી ભારતીય જનતા પાર્ટીના સાથ વગર, સ્વબળે લડવાની શિવસેનાએ જાહેરાત કરી દીધી હોવા છતાં ભાજપની ઈચ્છા તો શિવસેનાને સાથે રાખીને જ ચૂંટણી લડવાની રહી છે. આવી સ્પષ્ટતા ભાજપના ટોચના નેતાઓ કરી ચૂક્યા છે.

ગઈ કાલે, ખુદ મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે વિધાનસભામાં સંકેત આપ્યો હતો કે ભાજપ અને શિવસેના સાથે મળીને જ ચૂંટણી લડશે.

ફડણવીસના આ નિવેદનને પગલે રાજકીય ચર્ચાએ જોર પકડ્યું છે.

બુધવારે મહારાષ્ટ્ર વિધાનસભામાં બજેટ સત્રનો છેલ્લો દિવસ હતો. ગૃહમાં ચર્ચા દરમિયાન વિપક્ષી નેતા રાધાકૃષ્ણ વિખે-પાટીલે પૂછેલા સવાલના જવાબમાં ફડણવીસે કહ્યું હતું કે ભાજપ અને શિવસેના સાથે મળીને જ 2019ની ચૂંટણી લડશે. એમણે ટકોર કરી હતી કે શિવસેના અને ભાજપ, આ બે પક્ષ એટલે સત્તામાં રહેલા વાઘ અને સિંહ સમાન છે. આગામી ચૂંટણીમાં જીતીને બંને પક્ષ ફરી સત્તા પર આવશે.

ફડણવીસના આ વિધાન પર હવે શિવસેના શું પ્રતિસાદ આપે છે એ જોવાનું રહ્યું. છેલ્લા કેટલાક વખતથી શિવસેનાની નેતાગીરી ભાજપના અમુક નિર્ણયોથી નારાજ છે.